જામનગર શહેરના મહાવીર નગર વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.26,000 ની કિંમતની બાવન બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે શખ્સની ધરપકડ કરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના મહાવીરનગરમાં રહેતા શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની પો.કો. વિરેન્દ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, હેકો રવિરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વરૂણ વસાવા અને પીઆઈ એન.એ.ચાવડાના માર્ગદર્શન હેઠળ સીટી એ ડીવીઝનના પીએસઆઇ બી.એસ.વાળા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, રવિરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, મહેન્દ્રભાઈ પરમાર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, રાજેન્દ્રસિંહ ડોડિયા, ખોડુભા જાડેજા, ઋષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઈ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન મહાવીરનગર શેરી નં.3 મા ભાડાના મકાનમાં રહેતા અક્ષયના મકાનની તલાસી લેતા તેમાંથી રૂા.26000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની બાવન બોટલ મળી આવતા પોલીસે અક્ષય વિજય અઢીયા નામના શખ્સની અટકાયત કરી ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના નંદનવન સોસાયટીમાં રહેતાં જયેશ ઉર્ફે જયુ કિશોર ચાન્દ્રાના મકાનમાંથી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા તલાસી લેતા રૂા.1500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલો મળી આવતા પોલીસે જયેશની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રીજો દરોડો, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 54 વિસ્તારમાં વિશ્રામવાડી વિસ્તારમાં રહેતાં નિલેશ મહેન્દ્ર ભદ્રા નામના શખ્સના મકાનમાં પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.900 ની કિંમતના ઈંગ્લીશ દારૂના નવ નંગ પાઉચ મળી આવતા નિલેશની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.