Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરVideo : આયોજનના અભાવે સાત રસ્તા જંકશનમાં ભયંકર ટ્રાફિકજામ

Video : આયોજનના અભાવે સાત રસ્તા જંકશનમાં ભયંકર ટ્રાફિકજામ

શું સર્કલ પર ફલાય ઓવરના કામ માટે ખોટો સમય પસંદ કરાયો? : ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા, સાંકડો રસ્તો અને અનેક રસ્તાઓનું જોડાણ સર્જી શકે છે ટ્રાફિકની ગંભીર સમસ્યા : અહીં ફલાય ઓવરનું કામ પ્રાયોરિટીના ધોરણે થવું જરૂરી

- Advertisement -

જામનગર મહાપાલિકાના તંત્ર દ્વારા સાત રસ્તા સર્કલ પર ફલાય ઓવરના મહત્વના તબક્કાના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પરંતુ કામના પ્રારંભનો સમય ખોટો પસંદ કરવામાં આવ્યો હોય. તેવું જણાઇ રહ્યું છે. સાત રસ્તા જંકશન પર ટ્રાફિકની જટિલતા અને ગંભીરતાને ધ્યાને લીધા વગર ચોમાસાના પ્રારંભે જ અહીં કામનો પ્રારંભ કરવામાં આવતાં ટ્રાફિકની ગંભીર સમસ્યાનું નિર્માણ થયું છે.

- Advertisement -

જ્યારથી અહીં ફલાયઓવરના કામની તૈયારી શરુ કરવામાં આવી છે. ત્યારથી જ અહીં ભારે ટ્રાફિકજામ સર્જાઇ રહ્યો છે. આ ટ્રાફિક જંકશનમાં એક સાથે અનેક રસ્તાઓ ભેગા થતાં હોવાના કારણે ચો-તરફથી આવતાં વાહનોના થપ્પા લાગી રહ્યાં છે. જેને કારણે 20થી 30 મિનિટ સુધી વાહન ચાલકોને આ ટ્રાફિકજામમાં ફસાયેલા રહેવું પડે છે. સાતરસ્તા ટ્રાફિક જંકશન ટ્રાફિકની દ્રષ્ટિએ ખૂબ જ જટિલ અને સંવેદનશિલ હોવાનું જામ્યુકોનું તંત્ર જાણતું હોવા છતાં ફલાયઓવરના કામ માટે પસંદ કરવામાં આવેલો ચોમાસાનો સમય આશ્ર્ચર્ય ઉપજાવે છે. આ કામ ચોમાસા પહેલાં અથવા તો ચોમાસા બાદ હાથ ધરી શકાયું હોત. પરંતુ ચોમાસા દરમિયાન જ કામનો પ્રારંભ કરીને જામ્યુકોના તંત્રએ અહીં ટ્રાફિકની અને લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

- Advertisement -

આટલું ઓછું હોય તેમ ચોમાસા દરમિયાન અહીં ખોડિયાર કોલોની તરફ જતાં માર્ગ પર પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાય છે. જેને કારણે પણ ટ્રાફિક અવર-જવરમાં ભારે મુશ્કેલી પડે છે. પાણીના નિકાલની થીગડ-થાગડ વ્યવસ્થા કરવામાં આવી છે. કામ શરુ કરતાં પહેલાં અહીં ટ્રાફિકના તમામ પાસાઓનો અભ્યાસ કરવો ખૂબ જ જરુરી બની જાય છે કેમ કે, ફલાયઓવરનું કામ ખૂબ જ લાંબો સમય ચાલી શકે તેમ છે. હવે જ્યારે જામ્યુકોના તંત્રએ પૂર્વઆયોજન વગર કામ શરુ કરાવી જ દીધું છે ત્યારે સાત રસ્તા જંકશન પરના કામને પ્રાયોરિટીના ધોરણે ગતિપૂર્વક હાથ ધરવામાં આવે તે ખૂબ જરુરી બની ગયું છે. અન્ય જગ્યાએ ચાલતાં કામને થોડી બ્રેક મારીને જંકશનના કામને અગ્રતા આપી યુધ્ધના ધોરણે આ કામ પૂર્ણ કરવામાં આવે તેવા પ્રયાસો કરવા જરુરી બની ગયા છે. જેમ કે, જ્યારે કોઇ મહાનુભાવો આવે છે. ત્યારે જે રીતે યુધ્ધના ધોરણે કામ કરવામાં આવે છે. તે પ્રકારનું ધોરણ જ હાલ લોકોની સુખાકારી માટે અપનાવવું જોઇએ. તેવી લાગણી પણ શહેરીજનોમાં પ્રર્વતિ રહી છે.

છેલ્લા કેટલાંક દિવસથી અહીં કામ માટે આડશો મૂકી દેવામાં આવી છે. પરંતુ હજૂ સુધી કામ શરુ કરવામાં આવ્યું નથી. જો કે, બિપોરજોય વાવાઝોડાને કારણે બે-ચાર દિવસ અટકી શકયું હોય શકે, પરંતુ હવે અહીં ફલાયઓવર નિર્માણનું કામ ગતિપૂર્વક અને પ્રાયોરીટીના ધોરણે હાથ ધરવું ખૂબ જ અગત્યનું બની ગયું છે. ઉપરાંત અહીંથી પસાર થતાં ભારે વાહનો માટે ખાસ કરીને ખાનગી બસો માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા પણ વિચારવી જોઇએ. પોલીસ તંત્રને સાથે રાખીને આ જંકશન પર ટ્રાફિક વ્યવસ્થાનું સુચારું આયોજન કરવામાં નહીં આવે તો આગામી ચોમાસામાં અત્યંત ગંભીર પરિસ્થિતિ નિર્માણ પામશે. તે લગભગ નિશ્ર્ચિત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular