Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારગૃહમંત્રી દ્વારા દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થાનું નિરિક્ષણ

ગૃહમંત્રી દ્વારા દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થાનું નિરિક્ષણ

- Advertisement -

અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડુ ‘બિપરજોય’ ગુજરાતના સમુદ્ર કાંઠે આવી પહોંચ્યું છે. ત્યારે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગેની કામગીરીનું નિરિક્ષણ કરી, સાથે નાગરિકો તેમજ વહીવટી તંત્રનો જુસ્સો વધારી રહ્યા છે. તેઓએ જિલ્લામાં આપદા પ્રબંધન તંત્ર અંતગર્ત કરાયેલી વિવિધ તૈયારીઓ, વ્યવસ્થાનું સૂક્ષ્મ અવલોકન કર્યું હતું અને વાવાઝોડા સામેની તૈયારીઓને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. આ સાથે તેઓએ ‘બિપરજોય’ વાવાઝોડાની સામે તંત્ર સંપૂર્ણ રીતે સુસજ્જ હોવાનું પણ જણાવ્યું હતું. જિલ્લામાં અત્યાર સુધીમાં સાત હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડાયા છે.

- Advertisement -

દ્વારકાની મામલતદાર કચેરીમાં શરૂ કરાયેલા ડિઝાસ્ટર કંટ્રોલરૂમની પણ તેમને મુલાકાત લીધી હતી. તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે વાવાઝોડાની દિશા, પવનની ગતિ સહિતની વિગતો મેળવીને દ્વારકા જિલ્લામાં વાવાઝોડા સામે સચેત રહેવાની આગોતરી વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી.

આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાવાઝોડાના સ્થિતિમાં લોકોને બહાર નહીં નિકળવા તેમજ તા. 15 તથા 16 રોજ દ્વારકાની મુલાકાત ન લેવા માટે અપીલ કરી હતી. તેમણે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફ સાથે મીટીંગ કરીને દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ સાથે દરિયાઈ વિસ્તારોમાં કોઈપણ નાગરિક ના જાય તેના માટે ચુસ્ત સુરક્ષા જાળવવા પોલીસને જણાવ્યું હતું. સંઘવીએ મંગળવારે ઓખા હેડ ક્વાર્ટર નંબર 15 ખાતે કોસ્ટગાર્ડ, એન. ડી.આર.એફ., એસ. ડી.આર.એફ., બી.એસ.એફ. તેમજ પોલીસ સ્ટાફ સાથે મીટીંગ કરી હતી અને વાવાઝોડાના સંકટને પહોંચી વળવા, રાહત અને બચાવ કાર્યની તૈયારીઓની સમીક્ષા કરી, ઓખા જેટીનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તેમજ કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
સંભવિત વાવાઝોડા સામે દ્વારકામાં નાગરિકો પણ તંત્ર સાથે ખભેખભો મિલાવીને ઊભા છે. કેટલીક સંસ્થાઓએ ફૂડપેકેટ્સ સહિતની આગોતરી તૈયારી લીધી છે. દ્વારકામાં પક્ષીતીર્થ સંસ્થાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી અને સંસ્થા દ્વારા તૈયાર કરાયેલા 5100 ફૂડ પેકેટ્સની કામગીરીની સરાહના કરી હતી.

- Advertisement -

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે વાવાઝોડા ‘બિપરજોય’ અંગે વીડિયો કોફરન્સ યોજીને તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી રૂપાલા તથા ગૃહ રાજ્યમંત્રી સંઘવી જોડાયા હતા. જેમાં દ્વારકા જિલ્લામાં કરાયેલી આગોતરી તૈયારીઓની વિશેષ વિગતો આપી હતી.

અહીંની જિલ્લા કલેકટર કચેરી ખાતે વાવાઝોડા અને ભારે વરસાદના સંજોગોમાં નાગરિકોની ફરિયાદોના તાત્કાલિક નિવારણ માટે 02833-296330 નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. ખંભાળિયાના પ્રાંત અધિકારી પાર્થ કોટડિયા, મામલતદાર, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ દ્વારા ખંભાળિયાના શેલ્ટરહોમની મુલાકાત લેવામાં આવી હતી. અહીં સ્થળાંતરીત કરાયેલા લોકો માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

- Advertisement -

દ્વારકા જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને હાલ સ્થળાંતરિત કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે જિલ્લાનો પોલીસ સ્ટાફ પણ આ કાર્યમાં ખડેપગે જોડાયેલો છે. પોલીસના જવાનો દ્વારા લોકોને સલામત સ્થળે લઈ જવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સંભવિત વાવાઝોડા ના રેડ ઝોનમાં દ્વારકા જિલ્લો હોય, રાજકોટ ખાતેથી વધારાની ઈમરજન્સી મેડિકલ સેવા પાંચ 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સની સાથે 22 લોકોનો સ્ટાફ 24 કલાક ખડેપગે રહેશે. આ એમ્બ્યુલન્સ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારો દ્વારકા, મીઠાપુર, ઓખા ખાતે સેવામાં રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular