ખંભાળિયાની જાણીતી વેપારી પેઢી જયહિન્દ ટ્રેડિંગ કંપનીના સંચાલક દિનેશભાઈ સુંદરજીભાઈ રાયચુરાની દુકાનેથી ખંભાળિયાના વિમલ નમકીનના પ્રોપાઇટર કાંતિલાલ કરસનભાઈ કણજારીયાએ કરેલી માલસામાનની ખરીદીની ચુકવણીનો ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાં નાખતા રિટર્ન થવાના કારણે જયહિન્દ ટ્રેડિંગના પ્રોપાઇટર દિનેશભાઈ રાયચુરા દ્વારા આરોપી કાંતિલાલ કરસનભાઈ કણજારીયા વિરૂધ્ધધ અહીંની ચીફ કોર્ટમાં નેગોશીયેલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી હતી.
જે અંગેનો કેસ ચાલી જતા ફરિયાદીના વકીલ વિજયભાઈ કાનાબાર દ્વારા અદાલત સમક્ષ કરવામાં આવેલી ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી, આરોપી કાંતિલાલ કરસનભાઈ કણજારીયાને આ કેસમાં તકસીરવાન ઠેરવી અને એક વર્ષની કેદની સજા તથા રૂપિયા 2,000 નો દંડ ઉપરાંત ચેકની રકમ રૂપિયા 2,73,370 પુરા ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરીકે અહીંના જાણીતા એડવોકેટ વી.વી. કાનાબાર સાથે દીપભાઈ કાનાબાર અને અબ્દુલકાદીર સુહરાવર્દી રોકાયા હતા.