Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરએસપી એકશનમાં, બર્ધનચોકમાં બુલડોઝર....VIDEO

એસપી એકશનમાં, બર્ધનચોકમાં બુલડોઝર….VIDEO

- Advertisement -

જામનગર શહેરના બર્ધનચોક વિસ્તારમાં રહેલા પથ્થારાવાળાઓ અને નડતરરૂપ બોર્ડ તથા હેરીટેજ ઈમારતોમાં લગાડેલા બોર્ડ તથા હોર્ડીંગ્સ દૂર કરવા ગઈકાલે પોલીસ અધિક્ષક મેદાનમાં ઉતાર્યા હતાં અને ગઈકાલે પણ પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આજે બીજા દિવસે તંત્ર અને પોલીસ વિભાગે સંયુકત ઓપરેશન હાથ ધરી બુલડોઝર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાતા વેપારીઓ દ્વારા રાબેતા મુજબ વિરોધ કરી બંધ પાડી સમયની માંગણી કરી હતી.

- Advertisement -

આશરે ત્રણ દાયકાથી વધુ સમયથી બર્ધન ચોક વિસ્તારમાં પથ્થારાવાળાઓ અને દુકાનદારો દ્વારા આડેધડ બોર્ડ બનાવી દેવામાં આવ્યાં છે તેમજ હેરીટેજ ઈમારતોમાં પણ તંત્રની સેહશરમ રાખ્યા વગર બોર્ડ લગાડી દીધા છે. ઉપરાંત વર્ષોથી આ સાંકડા માર્ગ પર પથ્થારાવાળાઓ રોડની બંને બાજુ અડીંગો જમાવી બેસતા હોય છે જેના કારણે રોડ અડધા કરતા ઓછો અવર-જવર માટે રહે છે. જેના કારણે આ માર્ગ પરથી પસાર થનારા શહેરીજનો માટે માથાનો દુ:ખાવો બની રહે છે. વર્ષોની આ સમસ્યાની ઉકેલ લઇ આવવા માટે વહીવટી તંત્ર ઊણું ઉતરે છે. ઉપરાંત આ વિસ્તારમાં પથ્થારાવાળાઓ પાસેથી હપ્તા લેવાના આક્ષેપો અનેક વખત થયા છે. જામનગરના બર્ધન ચોક, લીંડીબજાર, માંડવીટાવર જેવી મુખ્ય બજારોમાં વર્ષોથી દબાણ કરી બેરોકટોક વેંચાણ કરતા પથ્થારાવાળાઓને હટાવવા માટે મેયર બીનાબેન કોઠારી દ્વારા છેેલ્લાં ઘણાં સમયથી રૂબરૂ સ્થળ પર જઇ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મેયર દ્વારા શરૂ કરાયેલી આ કામગીરી હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી હોય તેવું લાગે છે.

- Advertisement -

બર્ધનચોક સહિતના વિસ્તારોમાં દબાણ અને પથ્થારાવાળાઓને કાયમી હટાવવા માટે મહાનગરપાલિકા કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી એસ્ટેટ વિભાગના મુકેશ વરણવા, એસ.પી. પ્રેમસુખ ડેલુ, એસ્ટેટ અધિકારી નીતિન દિક્ષીત, સુનિલ ભાનુશાળી, યુવરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફ દ્વારા શુક્રવારે વેપારીઓ દ્વારા કરાયેલા દબાણો અને પથ્થારવાળાઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ રોડ પર બનાવેલા અનઅધિકૃત ઓટલાઓ તોડી પાડવામાં આવ્યાં હતાં. ગઈકાલે સાંજે દબાણ હટાવવાની કામગીરી બાદ આજે બીજે દિવસે સવારથી જ પોલીસ અને મહાનગરપાલિકા તંત્ર એકશનમાં આવી ગયું હતું. સવારે જ બુલડોઝર દ્વારા દબાણ હટાવવા અને હેરીટેજ ઈમારતોમાં લગાડેલા બોર્ડ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે, રાબેતામુજબ જ વેપારીઓએ મહાનગરપાલિકાની કામગીરીનો વિરોધ કર્યો હતો અને વેપારીઓ રોડ પર બેસી ગયા હતાં. મહાનગરપાલિકા અને પોલીસની કામગીરીનો વેપારીઓએ વિરોધ કરી સજ્જડ બંધ પાડયો હતો.

આશરે 30 વર્ષથી રહેલી આ જટિલ સમસ્યાના નિરાકરણ માટે વહીવટી અને પોલીસ તંત્ર આ વખતે કંઈક અલગ જ મુડમાં હોય તેવું જણાઈ રહ્યું છે. કેમ કે આટલાં વર્ષોના સમય દરમિયાન સૌ પ્રથમ વખત બર્ધનચોક વિસ્તારમાં દબાણ અને પથ્થારાવાળાઓને હટાવવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કડક કાર્યવાહી કરવામાં આવતા કોર્પોરેટર રચના નંદાણિયા બર્ધનચોકમાં દોડી આવ્યાં હતાં અને તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીનો વેપારીઓના સપોર્ટમાં રહી વિરોધ કર્યો હતો અને એસ્ટેટ અધિકારી સાથે તથા ઈન્ચાર્જ ડીએમસી ભાવેશ જાની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. આ બે દિવસથી હાથ ધરાયેલી કામગીરી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી રહી છે. દરમિયાન વેપારીઓ દ્વારા બંધ પાડી આ નડતરરૂપ દબાણો સ્વેચ્છાએ દૂર કરવા માટે તંત્ર પાસે બેથી ત્રણ દિવસનો સમય માંગ્યો હતો. જો કે, હજુ સુધી કોઇ નિરાકરણ થયું ન હોવાનું જાણવા મળે છે. તેમજ વેપારીઓના સમર્થનમાં તંત્રની વિરુધ્ધ દેખાવ કરતા કોર્પોરેટર રચના નંદાણીયાની પોલીસ દ્વારા તાત્કાલિક અટકાયત કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular