ખિજડીયા પક્ષી અભ્યારણ્યની સુરક્ષા તેમજ તેમાં પાલતુ ઢોરના ગેરકાયદેસર પ્રવેશને લઇ પગલાં લેવાની માગણી સાથે નવાનગર નેચર કલબ તથા પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વિશ્ર્વ વિખ્યાત ખિજડીયા પક્ષી અભ્યારણ્યમાં 360થી વધુ પ્રજાતિઓના પક્ષીઓ દેશ-વિદેશથી આવતાં હોય છે. ખાસ કરીને શિયાળામાં આવેલા વિદેશી પક્ષીઓની વિદાય બાદ તેતર, ટીટોડી સહિતની પ્રજાતિના પક્ષીઓ માળાઓ બનાવતાં હોય છે. આવા અભ્યારણ્યમાં પાલતુ પશુઓનો પગપેસારો વધી રહ્યો છે. જે પક્ષીના માળા, ઇંડા અને બચ્ચા માટે જોખમી બની રહ્યો છે. આજુબાજુના ગામોના ઢોર આ અભ્યારણ્યમાં ઘુસી ચરવા માટે બટકતાં હોય, પક્ષીઓ ડિસ્ટર્બ થાય છે અને તેમના માળા, ઇંડાનો પણ નાશ થાય છે અને પક્ષીઓની સુરક્ષા જોખમાય છે. પાલતુ પશુઓને ચરાવવા માટે નજીકના ગામોમાં પણ બીજી ગૌચર જગ્યાઓ આવેલી છે. જ્યાં કેટલાંક લોકોએ ગેરકાયદેસર કબજો જમાવેલ હોય જેના પરિણામે પશુઓને અન્ય જગ્યાએ ચરવા જવાની જરુર પડે છે. આથી આ જમીનો ખુલ્લી કરવામાં આવે તો પશુઓને અન્ય જગ્યાએ ચરવા જવાની જરુર પડે નહીં. આથી ખિજડીયા પક્ષી અભ્યારણ્યને સુરક્ષિત કરવા આ આવેદનપત્ર દ્વારા માગણી કરવામાં આવી છે.