હવામાન વિભાગની આગાહી મુજબ સંભવિત વાવાઝોડાનો ખતરો હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ઝળુંબી રહ્યો છે, ત્યારે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. બે દિવસથી દરિયાના મોજા 8 થી 10 ફૂટ ઊંચા ઉછળી રહ્યા છે. દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા દરિયાના પાણીથી દૂર રહેવા લોકોને અપીલ કરવામાં આવી હતી. તેમ છતાં પણ આજ દિન સુધી લોકો દરિયાના પાણી સાથે મોજ કરવાનું ચુકતા નથી. આવા ભયંકર મોજાના કારણે ગઈકાલે દ્વારકાના ગોમતી ઘાટ પરથી બે યુવાનો તણાયા હતા.
સંગમ નારાયણના મંદિર પાસે ઉછળતા દરિયામાં ગઈકાલે ગુરુવારે બપોરે એક યુવાન નાહવા પડ્યો હતો. જોતજોતામાં તે ડૂબવા લાગતા અન્ય એક યુવક તેને બચાવવા દરીયાના પાણીમાં પડ્યો હતો. નાહવા પડેલા યુવકનો બચાવ થયો હતો, જ્યારે બચાવવા પડેલો પણ યુવક ડૂબી ગયો હતો. જે મોડે સુધી દરિયાના પાણીમાં લાપતા બન્યો હતો. અહીં રેસ્ક્યું ટીમ હાજર ન હોવાને કારણે ડુબતો યુવાન લાપતા થયો હતો.
આ ડુબતા યુવકોનું નામ અશરફ તથા મોહસીન હોવાનું જાણવા મળેલ છે. જેમા મોહસીન નામના યુવકનો બચાવ થયો હોવાનું તથા અશરફ લાપતા બન્યો હોવાનું જાણવા મળેલ છે.
હાલની પરિસ્થિતિમાં યાત્રાળુઓ તેમજ દરિયામાં નહાવા આવતા લોકો અંગે તકેદારીના પગલે રૂપે આ વિસ્તારમાં મજબૂત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તે બાબતને ઈચ્છનીય ગણવામાં આવે છે.