જામનગર શહેરમાં ઇન્દિરા માર્ગ પર રૂા. 200 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલાં ફલાયઓવરના મહત્વપૂર્ણ તબકકાના કામનો પ્રારંભ થયો છે. આ ફલાયઓવર અંતર્ગત સાત રસ્તા સર્કલ ખાતે રીંગ ફલાય રોડ બનાવવામાં આવશે. આ સર્કલના નિર્માણનું કામ સાત રસ્તા સર્કલ ફરતે શરૂ કરવામાં આવ્યું છે. કોન્ટ્રાકટર કંપની દ્વારા ફલાયઓવરના પીલરના નિર્માણ માટે સર્કલની ફરતે પતરાની આડશો ગોઠવીને કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જો કે, સાત રસ્તા સર્કલમાં કામ શરૂ થતાં સતત ટ્રાફિકથી ધમધમતાં આ સર્કલમાં થોડી ટ્રાફિક સમસ્યા નિર્માણ પામી છે. તેમજ આગામી દિવસોમાં ચોમાસું માથે હોય આ સ્થિતિમાં અહીં ટ્રાફિકની સમસ્યા વધુ વકરી શકે છે. ત્યારે લાંબો સમય ચાલનારા આ કામને ધ્યાનમાં રાખી મહાપાલિકા તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા અહીં ટ્રાફિકની સુચારૂં વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી બની ગયું છે.