પર્યાવરણ પ્રદુષણનું એક મુખ્ય કારણ વાહનો છે. ત્યારે વાહનો દ્વારા પેટ્રોલ તથા ડીઝલના દહનથી વધતુ કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ વધે છે. લોકો આ સમસ્યાને સમજીને સામાન્ય કામો પગપાળા અથવા સાયકલના ઉપયોગને પ્રાધાન્ય આપે તેવા હેતુથી નવાનગર નેચર કલબ દ્વારા ગ્રીન વોકનું આયોજન કરાયું હતું.
આ ઉપરાંત પ્રદૂષણ નિયંત્રણ માટે વૃક્ષા રોપણ થાય તે પણ ખૂબ જરૂરી છે. કારણ કે વૃક્ષોની સંખ્યા વધવાથી કાર્બન ડાયોકસાઈડનું શોષણ થાય છે. પ્રાણવાયુનું પ્રમાણ વધે છે. તથા શહેરના તાપમાનમાં ઘટાડો થાય છે. આ માટે વૃક્ષારોપણની પ્રવૃત્તિને વેગ મળે તે આવશ્યક છે. તેથી વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખેલ હતો.
ગ્રીનવોકનો રૂટ સર્કિટ હાઉસ થી જિલ્લા પંચાયત, ગુરૂદ્વારા, જી. જી. હોસ્પિટલ, હિંમતનગર, ડેન્ટલ કોલેજે પૂર્ણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ડેન્ટલ કોલેજ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ગ્રીન વોકમાં ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના વિદ્યાર્થીઓ તેમજ જામનગર જિલ્લા હોમગાર્ડઝના જવાનો પણ જોડાયા હતાં. શહેરના રાજકીય, સામાજિક આગેવાનો તથા સરકારના ઉચ્ચ અધિકારીઓ તથા વિવિધ સંસ્થાઓ તેમજ પર્યાવરણ પ્રેમી જનતાએ ભાગ લીધો હતો. તેવું નવાનગર નેચર કલબની યાદીમાં જણાવાયું છે.