દેવભૂમિ દ્વારકા મંદિરના પાર્કિંગ તેમજ શિવરાજપુર બીચ ખાતે યાત્રાળુઓ દ્વારા પાર્ક કરવામાં આવેલી મોટરકારના કાચ તોડી અને આ કારમાંથી કિંમતી મુદ્દામાલની ચોરી થયાના બનાવો થોડા દિવસ પહેલાં દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યા હતા. જે સંદર્ભે જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ તેમજ અન્ય ટેકનોલોજીની મદદથી આ પ્રકરણમાં સંડોવાયેલા આણંદ ખાતે રહેતા એક મુસ્લિમ શખ્સને ખંભાળિયા પાસેથી દબોચી લેવામાં આવ્યો હતો.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દ્વારકાધીશ મંદિર નજીક આવેલા પાર્કિંગમાં રાખવામાં આવેલી બે મોટરકાર તેમજ આ વિસ્તારમાં શિવરાજપુર બીચ ખાતે એક યુવાનની મોટરકારના કાચ તોડી તેમાંથી કેમેરા, મોબાઈલ સહિતનો મુદ્દામાલ ચોરી થયાના પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલ.સી.બી. પોલીસ દ્વારા આ પડકારરૂપ કેસ સંદર્ભે વિવિધ દિશાઓમાં તપાસ આરંભી હતી. આ કેસમાં પોલીસને યોગ્ય સીસીટીવી ફૂટેજ ન મળતા એલસીબી દ્વારા ભૂતકાળમાં આ પ્રકારના થયેલા ચોરીના બનાવ તેમજ ઈ-ગુજકોપ પોર્ટલ પરથી ચોક્કસ પ્રકારના વાહનોની ગતિવિધિ મેળવી અને આ અંગે સધન કામગીરી બાદ એલ.સી.બી.ના એ.એસ.આઈ. અજીતભાઈ બારોટ, મસરીભાઈ ભારવાડીયા તથા ભરતભાઈ ચાવડાને મળેલી બાતમીના આધારે ખંભાળિયા – દ્વારકા માર્ગ પર અત્રેથી આશરે ત્રણ કિલોમીટર દૂર પાયલ હોટલ પાસેથી પસાર થતી જી.જે. 06 પીસી 3806 નંબરની એક ઈનોવા મોટરકારમાં જતા એક શખ્સને અટકાવી આ શખ્સની આગવી ઢબે પૂછપરછ કરતા આણંદમાં રેલવે ફાટકની બાજુમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરતા અકીલ સલીમભાઈ વોરા નામના 32 વર્ષના આ મુસ્લિમ શખ્સ દ્વારા દ્વારકામાં કરેલી ચોરીની કબુલાત આપી હતી.
પોલીસની વધુ પૂછતાછમાં પોપટ બનેલા આ શખ્સ દ્વારા અગાઉ સોમનાથ મંદિર ખાતે પણ બે વાહનોમાં કાચ તોડીને ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આથી પોલીસે રૂપિયા પાંચ લાખની કિંમતની મોટરકાર, રૂપિયા 30 હજાર રોકડા ઉપરાંત સ્માર્ટ વોચ, ચોરીનો કેમેરો તેમજ અન્ય ચીજ-વસ્તુઓ મળી કુલ રૂપિયા 6,03,952 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉપરોક્ત શખ્સની તપાસ કરતા ઈ-ગુજકોપ તથા અન્ય પોર્ટલ પરથી આ શખ્સ સામે આણંદ, વડોદરા, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા વિગેરે સ્થળોએ આશરે બે ડઝન જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું પણ ખુલવા પામ્યું છે. આથી ઉપરોક્ત શખ્સની ધરપકડ કરી, વધુ તપાસ અર્થે તેનો કબજો દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો છે.
રીઢા ગુનેગાર એવા આ શખ્સ દ્વારા પોલીસને જાણવા મળેલી ચોરીની મોડેસ ઓપરેન્ડીમાં તેની પાસે રહેલી ઈનોવા કાર મારફતે આ શખ્સ તેમના પરિવારના મહિલાઓ તેમજ બાળકોને સાથે રાખી અને ધાર્મિક સ્થળોએ જાહેરમાં પાર્ક કરેલા વાહનો કે જેની નજીક સીસીટીવી કેમેરાની રેન્જ ન હોય, તેવી કારની બાજુમાં પોતાની કાર રાખી અને પ્રથમ તો આરોપી ડીસમીસ મારફતે કારનો કાચ તોડી અને દરવાજો ખોલી તેમાંથી કિંમતી સામાન ચોરી કરી લેતો હતો. તેની આવન જાવન દરમિયાન પોલીસ ચેકિંગમાં શંકા ન જાય તે માટે અન્ય મુસાફરોને પોતાની કારમાં બેસાડીને લિફ્ટ પણ આપતો હતો…!!!
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. એસ.વી. ગળચર, બી.એમ. દેવમુરારી, અરજણભાઈ મારુ, અજીતભાઈ બારોટ, મશરીભાઈ ભારવાડિયા, ભરતભાઈ ચાવડા, બલભદ્રસિંહ ગોહિલ, સુનિલભાઈ કાંબરીયા, કુલદીપસિંહ જાડેજા, પરેશભાઈ સાંજવા, દિનેશભાઈ માડમ, મશરીભાઈ છૂછર, અરજણભાઈ આંબલીયા, નરશીભાઈ સોનગરા, હસમુખભાઈ કટારા, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.