જામનગર પંથકમાં આવેલા તમાચણ ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં રહેલા બોરમાં ત્રણ વર્ષની બાળકી ફસાઈ જતાં ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રેસ્કયૂ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના તમાચણ ગામની સીમમાં આવેલા ગોવિંદભાઈ ટપુભાઈ પ્રજાપતિના ખેતરમાં રહેલા ખુલ્લા બોરમાં આજે સવારના સમયે આદિવાસી શ્રમિક પરિવારની ત્રણ વર્ષની બાળકી રમતા રમતા ઉંડા બોરમાં પડી ગઈ હતી. ત્યારબાદ પરિવારજનો દ્વારા બાળકીની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ બાળકીનો પતો લાગ્યો ન હતો. થોડા સમય પછી બાળકી બોરમાં પડી હોવાનું જણાતા તમાચણના સરપંચ રામજીભાઈ મકવાણા સહિતના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને આ બનાવ અંગેની જાણ જામનગર ફાયર વિભાગમાં કરવામાં આવી હતી. જેના પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આશરે 25 થી 30 ફુટ ઉંડા બોરમાં ફસાયેલી ત્રણ વર્ષની આદિવાસી શ્રમિક પરિવારની બાળકીને બચાવી લેવા માટે રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર વિભાગના રેસ્કયૂ ઓપરેશનમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અને આરોગ્યની ટીમ પણ સાથે જોડાઈ હતી.