ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા જમ્મુ-કાશ્મીરનાં શ્રીનગર ખાતે પશુપાલન અને ડેરી ક્ષેત્રની સમર મીટ તથા “વર્લ્ડ મિલ્ક ડે”નો ઉજવણી કાર્યક્રમ આજરોજ યોજાયો હતો. આ બે દિવસીય કાર્યક્રમમાં ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉચ્ચ અધિકારીઓ સાથે સહભાગી થયા હતા. કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ વિશ્વ દૂધ દિવસની ઉજવણી અને સમર મીટનાં આ કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પશુપાલન અને ડેરી વિભાગના મંત્રીઓ પણ ઉપસ્થિત હતા.
આ કાર્યક્રમમાં મંત્રી રાઘવજીભાઈ પટેલે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના પશુપાલન અને ડેરી ક્ષેત્રે થઈ રહેલા અવિરત વિકાસની વિગતો સમિટમાં રજૂ કરી હતી. તેમણે 1940નાં દાયકાથી અત્યારસુધીમાં ક્રમશ: “અમુલ પેટર્ન” પરનાં સહકારી ડેરી માળખાની વિકાસની સિદ્ધિઓ અને તેમાં પણ મહિલાઓના યોગદાન વિશે સૌને માહિતગાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી કેન્દ્ર સરકારમાં સ્થાપિત થયેલા સહકાર મંત્રાલય કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહનાં નેતૃત્વમાં દેશ સહકારી ડેરી ક્ષેત્રે નવા આયામો સિદ્ધ કરશે, તેવો મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મંત્રી રાઘવજીભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારની સહાયથી નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં વર્ષ 2022-23માં 160 લાખ પશુઓમાં થયેલ ખરવા-મોવાસા રસીકરણ, રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ સ્થપાયેલ લેબોરેટરીમાં ઉત્પન્ન કરાયેલા સીમેન ડોઝના ઉપયોગથી જન્મેલી 92 ટકા વાછરડી/પાડી તેમજ રાજ્યમાં 21 જિલ્લાઓમાં અમલ કરાયેલા રાષ્ટ્રવ્યાપી કૃત્રિમ બીજદાન જેવા વિવિધ કાર્યક્રમ હેઠળ સરાહનીય કામગીરી થઇ રહી છે. આ ઉપરાંત 1.20 લાખ જેટલા પશુપાલકોને કિસાન ક્રેડીટ કાર્ડ ઉપલબ્ધ કરાવવાની અને નવા 127 ફરતાં પશુ દવાખાના માટે ભારત સરકાર તરફથી મળેલા સહયોગનો મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.
વધુમાં મંત્રીએ પશુધન સ્વાસ્થ્ય અને રોગ નિયંત્રણ, પશુ સંવર્ધન અને ડેરી ક્ષેત્રના વિવિધ કાર્યક્રમો માટે ભારત સરકાર તરફથી મળી રહેલી સહાય તેમજ માર્ગદર્શન બદલ રાજ્ય સરકાર વતી ભારત સરકારનો આભાર માન્યો હતો.
કેન્દ્ર સરકાર તરફથી પશુઓમાં રસીકરણ માટે પૂરી પાડવામાં આવતી વિવિધ રસીઓનો જથ્થો સમયસર ઉપલબ્ધ કરાવવા, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ પશુપાલન અને ડેરી વિકાસની યોજનાઓ સામાવવા, ગુજરાતના પશુધન, દૂધ ઉત્પાદન અને પ્રોસેસિંગની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં રાષ્ટ્રીય કે પ્રાદેશિક કક્ષાની ડેરી સંશોધન સંસ્થા શરૂ થાય તે માટે મંત્રીએ કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો હતો.