જામનગરમાં જી.જી. હોસ્પિટલ સામે આવેલી દુકાનોની લિઝ પુરી થઇ ગઇ હોવા છતાં મહાપાલિકાનું તંત્ર આ દુકાનો પ્રત્યે આંખ આડા કાન કરી રહી હોવાનો આક્ષેપ પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય નીતિન માડમે કર્યો છે.
કમિશનરને કરેલી લેખિત રજૂઆતમાં નીતિન માડમે જણાવ્યું છે કે, હોસ્પિટલ સામેની દુકાનોની લિઝ લાંબા સમયથી પૂર્ણ થઇ ગઇ હોવા છતાં જામ્યુકોના તંત્ર દ્વારા કોઇ અગમ્યકારણોસર કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે દુકાનો ખસેડીને રસ્તો પહોળો કરવા વર્ષોથી લીલીઝંડી મળી ગઇ હોવા છતાં જામ્યુકોનું તંત્ર શા માટે ખચકાઇ રહ્યું છે? તે એક પ્રશ્ર્ન છે. સામાન્ય દબાણ હટાવવાના નાટક કરીને જામ્યુકોના સત્તાધિશો મુળ સમસ્યાને નજર અંદાજ કરી રહ્યાં છે. શહેરમાં દબાણોના જટિલ ઇસ્યૂ ઉકેલવામાં સત્તાધિશોને કોઇ જ રસ હોય તેવું જણાતું નથી. હોસ્પિટલ સામેની દુકાનોમાં લિઝની શરતોનો પણ ભંગ કરવામાં આવ્યો હોવાનું જણાઇ રહ્યું છે. એક દુકાનમાંથી એકથી વધુ દુકાનો બનાવી લેવામાં આવી છે. જે અંગે મહાપાલિકા દ્વારા કોઇ મંજૂરી આપવામાં આવી છે કે કેમ? તેવો પ્રશ્ર્ન પણ ઉઠાવવામાં આવ્યો છે. હોસ્પિટલ સામેની દુકાનોનો લિઝનો પ્રશ્ર્ન હાલ ક્યાં તબક્કે છે? જામ્યુકો દ્વારા આ અંગે શું કાર્યવાહી કરવામાં આવી છે? દુકાનો દૂર કરવાની છે કે કેમ? વગેરે સવાલોના સ્પષ્ટ જવાબો જામ્યુકોના સત્તાધિશોએ આપવા જોઇએ. તેવી માગણી નીતિન માડમ દ્વારા કરવામાં આવી છે. તેમજ જો કોઇ દુકાનદાર કે લિઝધારક દ્વારા લિઝ એગ્રીમેન્ટનો ભંગ કરવામાં આવ્યો હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવાની માગણી પણ કરવામાં આવી છે.