યાત્રાધામ દેવભૂમિ દ્વારકાને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ શિવરાજપુર બીચ ખાતે પાર્ક કરાયેલી મોટરકારમાંથી રૂા.50 હજારની રોકડ સહિતનો મુદ્દામાલ તસ્કરો ચોરી કરી ગયા હતાં. આ ઉપરાંત દ્વારકાધિશ મંદિર નજીકના પાર્કિંગમાંથી ત્રણ મોટરકારના કાચ તોડી રૂા.1,92,000 ની કિંમતના રોકડ, સોનાના દાગીના, મોબાઇલ ફોન સહિતના કિંમતી સામાનોની ચોરીની ઘટના સામે આવી છે. દ્વારકા આવતા યાત્રિકોની મોટરકારોને નિશાન બનાવતા તસ્કરોએ જુદા જુદા ચાર સ્થળોએ ચોરીને કારણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકયો છે. પોલીસ દ્વારા આ ચાર બનાવ અંગે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ સમગ્ર પ્રકરણ અંગે મધ્યપ્રદેશ રાજ્યના જબલપુર જિલ્લામાં રહેતા આશિષભાઈ ઉર્ફે ગોલુભાઇ ભાનુપ્રસાદ પાંડે નામના 39 વર્ષના યુવાને દ્વારકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ ફરિયાદી આશિષભાઈ પાંડે તથા તેમના પરિવારજનો તેમની એમપી-20-ઝેડડી-8480 નંબરની કિયા મોટરકારમાં દ્વારકા પંથકમાં ફરવા આવ્યા હતા. ત્યારે ગઈકાલે શુક્રવારે સાંજના સમયે તેઓએ પોતાની મોટરકાર શિવરાજપુર બીચના પાર્કિંગમાં પાર્ક કરીને રાખી હતી. ત્યારે કોઈ અસામાજિક તત્વોએ તેમની કારના દરવાજાના કાચ તોડી નાખી અને તેમાં રહેલી બે બેગ કે જેમાં રહેલા રૂપિયા 50,000 રોકડા તેમજ કપડાં સહિતનો કુલ રૂપિયા 54,500નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે આઈ.પી.સી. કલમ 379 તથા 461 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં જુનાગઢના ઝાંઝરડા રોડ ઉપર હાલ રહેતા અને મૂળ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના વતની એવા ધર્મેન્દ્રકુમાર શામળભાઈ રાવત નામના 29 વર્ષના યુવાને દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા અનુસાર, ધર્મેન્દ્રકુમાર રાવત તથા તેમના પરિવારજનો દ્વારકામાં દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે ગઈકાલે શુક્રવારે સાંજના આશરે 5:30 થી 8 વાગ્યાના સમયગાળા દરમિયાન મંદિર નજીક હાથીગેટ પાસે આવેલા વાહન પાર્કિંગમાં તેમણે પાર્ક કરેલી જી.જે. 09 બી.જે. 0255 નંબરની ક્રેટા મોટરકારની ડાબી બાજુના દરવાજાના કાચ કોઈ શખ્સોએ તીક્ષણ હથિયાર વડે તોડી અને આ વાહનમાં રાખવામાં આવેલી ટ્રોલી બેગ, બેગેજ કે જેમાં કોસ્મેટિક, જરૂરી કાર્ડ, એક મોબાઈલ ફોન, સોનાની વીંટી, સોનાની બુટી, સ્માર્ટ વોચ, સહિતની કિંમતી વસ્તુઓ તેમજ કેનન કંપનીનો રૂપિયા 25,000 ની કિંમતનો એક કેમેરો મળી કુલ રૂ. 54,000 નો મુદ્દામાલ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હતા.
આ ઉપરાંત આ સ્થળેથી સાહેદ શીમ્યાબેનની કિયા મોટરકાર નંબર એમ.એચ. 02 એફ.એન. 2434 નંબરની કારમાંથી પણ તસ્કરો રોકડ સહિત કુલ રૂપિયા 40,050 નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું હતું. આ સ્થળે રહેલા અન્ય એક સાહેદ આકાશભાઈની આઈ-20 મોટરકારના પણ કાચ તોડી આ મોટરકારમાંથી પણ સરસામાન તેમજ રોકડ રકમ સહિત રૂ. 98,050 નો મુદ્દામાલ ચોરી થયાનું પણ જાહેર થયું છે. આ બનાવ અંગે દ્વારકા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ આઈ.પી.સી. કલમ 379 તથા 461 મુજબ ગુનો નોંધી, આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.