જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે વિરોધપક્ષના નેતા ધવલ નંદા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી યોગ્ય રીતે થાય અને નબળી કામગીરી ન રહે તે માટે તંત્રને રજૂઆત કરી છે.
મ્યુ. વિપક્ષી નેતા ધવલ નંદા દ્વારા જણાવાયું છે કે, ચોમાસાની સિઝન શરુ થવાના એકાદ માસ જેટલો જ સમય બાકી છે. ત્યારે એક માસની અંદર પ્રિ-મોન્સુન કામગીરી કઇ રીતે પૂર્ણ થશે? ગતવર્ષની જેમ આ વર્ષે પણ સફાઇ કામગીરીમાં લોલંલોલ જોવા મળી રહી છે. સ્ટે. કમિટીમાં 1.20 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. પરંતુ આ કામગીરીના અડધા રૂપિયાનો પણ ખર્ચ કરવામાં આવતો નથી. તેમજ ટેન્ડર ભાજપાના સગા-વ્હાલાઓને આપવામાં આવતું હોય, ભ્રષ્ટાચાર થતો હોય છે.
બે વર્ષ પૂર્વે જામનગર શહેરમાં વરસાદી પૂર આવ્યું હતું તેમાં પણ પ્રિ-મોન્સુન કામગીરીનો ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. ત્યારે પણ વિપક્ષી કોર્પોરેટરોએ પ્રિ-મોન્સુન કામગીરીમાં પુરતી સફાઇ થતી ન હોય. તે અંગે ફરિયાદ કરી હતી. તેમજ કેનાલો બરાબર સાફ-સફાઇ થતી ન હોય જેના પરિણામે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ છે. માટે દરવર્ષની જેમ આ વર્ષે પણ કેનાલોમાં નબળી કામગીરી ન થાય તે માટે રજૂઆત કરવામાં આવી છે.