આજથી શ્રીનગરમાં કડક સુરક્ષા વચ્ચે જી-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની ત્રણ દિવસીય બેઠકનો પ્રારંભ થયો છે. શ્રીનગરના ડાલ સરોવરના કિનારે શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત બેઠકમાં વિવિધ રાષ્ટ્રોના 60 કરતા પણ વધારે પ્રતિનિધિઓ ભાગ લેશે. ડાલ સરોવરની સુરક્ષા માર્કોસ કમાન્ડો દ્વારા કરવામાં આવી રહી છે.
આ બેઠકને માટે લાલચોક સહિત અનેક વિસ્તારોમાં ભારતીય કમાન્ડોએ ધામા નાખ્યા છે. ડાલ સરોવરના કિનારે બુલેવાર્ડ રોડ પર ત્રણ દિવસ સુધી વાહનવ્યવહાર પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બોર્ડરથી નિયંત્રણ રેખા સુધી એલર્ટ છે. કઠુઆ, સાંબા, જમ્મુ, રાજોરી, પુંછ, બારામુલ્લા, કુપવાડા અને બાંદીપોરાના સરહદી જિલ્લાઓમાં જવાનોને IB અને LoC પર વધુ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. કોન્ફરન્સના પ્રથમ દિવસે પ્રતિનિધિઓ બપોરે SKICC ખાતે પહોંચશે. સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. ક્રાફ્ટ બજારમાં સ્થાનિક ઉત્પાદનોના પ્રદર્શનમાં પ્રતિનિધિઓને જોવાની તક મળશે. બીજા દિવસે આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક જાળવણી માટે ફિલ્મ ટુરિઝમ પર સેશન હશે જેથી ફિલ્મ ટુરીઝમને પ્રોત્સાહન મળી શકે.
આ સાથે ઈકો ટુરીઝમ પર અલગ સેશન પણ યોજાશે.જી-20માં હાજરી આપનાર પ્રતિનિધિઓ પરી મહેલ, અને મુગલ ગાર્ડનની મુલાકાત લેશે. આ સાથે તેઓ પોલો વ્યુ માર્કેટની પણ મુલાકાત લેશે જેનું તાજેતરમાં નવીનીકરણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર અને જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રને આશા છે કે આ આયોજનથી જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થાને પુનજીર્વિત કરવામાં મદદ કરશે.
જી-20ની બેઠકથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું
જમ્મુ-કાશ્મીરમાં જી-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકથી પાકિસ્તાન નારાજ છે. આ મામલે તેને ચીન, સાઉદી અરેબિયા અને તુર્કી જેવા દેશોનું સમર્થન મળ્યું છે જે તેમાં ભાગ નથી લઈ રહ્યા. આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ જી-20ના બહાને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. બિલાવલે કહ્યું કે, ભારત વતી જમ્મુ-કાશ્મીરમાં જી-20 બેઠકનું આયોજન સંયુક્ત રાષ્ટ્રમાં કરવામાં આવેલા વચનનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે, યુએનના ઠરાવોને નકારીને ભારત વિશ્વમાં મહત્વની ભૂમિકા ભજવી શકે નહીં. આ ઉપરાંત પણ તેમણે ગઈકાલે કહ્યું કે, ભારત કાશ્મીરમાં જી-20 બેઠક યોજીને કાશ્મીરના લોકોનો અવાજ દબાવવામાં સફળ નહીં થાય.