જામજોધપુરમાં સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચાતો હોવા અંગે તંત્રને ફરિયાદ કરવામાં આવી છે અને આ અંગે કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે.
જામજોધપુરના વોર્ડ નં. 7માં સસ્તા અનાજની દુકાન ધરાવતાં ડાયાલાલ ભીમજી ચિત્રોડા દ્વારા સરકારી અનાજ રાહત દરે વેચવાને બદલે બારોબાર કાળાબજાર કરતાં હોવાની ફરિયાદ અક્ષય દિપકભાઇ દ્વારા મામલતદારને કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ છ માસ પૂર્વે પણ આ દુકાનદાર દ્વારા સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચાતો હોવાની અરજી કરાઇ હતી. તેમજ વિડીયો વાયરલ થયા હતાં. આ અંગે તંત્રની ઢિલી નીતિ અંગે પુરવઠા મંત્રી સુધી રજૂઆત થઇ હતી અને અમુક રકમનો દંડ તથા મર્યાદિત સમયનું લાયસન્સ રદ્ કરાયું હતું.પરંતુ થોડા સમય માટે દુકાનદાર દ્વારા પુરવઠાનો જથ્થો કાળાબજારમાં વેચવાનું ઓછુ કર્યા બાદ ફરી સસ્તા અનાજનો જથ્થો કાળાબજારમાં વેચવાનું શરુ કર્યું હોય. આ અંગેના પુરાવા પણ હોય, અરજદાર દ્વારા દુકાનદાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે.


