જામનગર તાલુકાના સીક્કા ગામમાં જાહેરમાં આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટની દિલ્હી કેપીટલ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાતી મેચના પ્રસારણ ઉપર હારજીતનો જૂગાર રમાડતા બે શખ્સોને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.37,500 નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ દરોડાની વિગત મુજબ, દેશભરમાં ઈન્ડીયન પ્રિમીયર લીગ 2023 નો માહોલ છવાયેલો છે. આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મેચો ઉપર હજારો કરોડનો સટ્ટો રમાતો હોય છે. ત્યારે બુધવારે રાત્રિના સમયે આઈપીએલમાં દિલ્હી કેપીટલ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાતા 20-20 ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર સીક્કામાં હારજીતનો જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે સીક્કાના પંચવટી વિસ્તારમાં પાનની દુકાનની બાજુમાં રેઈડ દરમિયાન સતિષ ઉર્ફે સતિયો ચેતન સેન અને પ્રવિણ નાથુરામ પ્રજાપતિ નામના બે શખ્સોને ઝડપી લઇ સતિષ પાસેથી 500 ની રોકડ રકમ, રૂા.5,000 ની કિંમતનો એક મોબાઇલ ફોન અને જીજે-10-ડીડી-3757 નંબરની 10 હજારની કિંમતની એક બાઈક તથા પ્રવિણ પાસેથી રૂા.2,000 ની રોકડ રકમ અને રૂા.5000 ની કિંમતનો મોબાઇલ ફોન તેમજ રૂા.15,000 ની કિંમતની જીજે-10-સીસી-0078 નંબરનું બાઇક કબ્જે કર્યુ હતું.
આમ સીક્કા પોલીસે બંને શખ્સો પાસેથી રૂા.25,000 ની કિંમતના બે બાઈક અને રૂા.2,500 ની રોકડ રકમ તથા રૂા.10,000 ની કિંમતના બે મોબાઇલ સહિત કુલ રૂા.37,500 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ ક્રિકેટના સટ્ટામાં રાહુલભાઈ પ્રજાપતિ નામના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.