ખંભાળિયા શહેર નજીક આવેલા ધરમપુર વિસ્તારમાંથી ગતરાત્રે એલસીબી પોલીસે જુગાર અંગેની કાર્યવાહીમાં ધમધમતા જુગારધામમાંથી દસ શખ્સોને કુલ રૂપિયા દોઢ લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના મુજબ એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં એલસીબીના હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજા તથા કુલદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના મહિના આધારે ખંભાળિયાના જામનગર રોડ માર્ગ પર ધરમપુર વિસ્તારમાં આવેલી જી.આઈ.ડી.સી. ખાતે અત્રે રાવલપાડા વિસ્તારમાં રહેતા લાલજી ઉર્ફે લાલો દીપકભાઈ રાવલદેવ નામના શખ્સ દ્વારા અહીં બનતા નવા મકાનો પૈકી પોતાના કબજાના એક રહેણાંક મકાનમાં અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી અને તેઓને લાઈટ, પાણી અને જુગારના સાધનોની સુવિધા પૂરી પાડી, તેના બદલામાં નાલ ઉઘરાવી અને ગંજીપત્તા વડે રમાતા જુગાર પર ગત મોડી રાત્રે એલસીબી પોલીસ ત્રાટકી હતી.
આ દરોડા દરમિયાન પોલીસે લાલજી ઉર્ફે લાલા દિપક સોઢા, દિનેશ ડાહ્યાભાઈ રાઠોડ, દિનેશ સુરેશ સોલંકી, અશોક ઉર્ફે અજય કરસન પરમાર, અજય ધીરુ ચૌહાણ, મયુર મનુભાઈ ચૌહાણ, હેમુ મનસુખભાઈ ચૌહાણ, વિપુલ સુરેશભાઈ ચૌહાણ, વેરશી વીરજી ચૌહાણ અને રમેશ નારણ રાઠોડ નામના 10 શખ્સોને દબોચી લીધા હતા ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂા. 27,100 રોકડા, રૂા.42,500 ની કિંમતના નવ નંગ મોબાઈલ ફોન, તેમજ રૂા. 80,000 ની કિંમતના ચાર મોટર સાયકલ મારી કુલ રૂા.1,49,600 ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત શખ્સોની જુગારધારાની કલમ મુજબ અટકાયત કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને એસ.વી. ગળચર, એ.એસ.આઈ. સજુભા જાડેજા, જેસલસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર, સચિનભાઈ નકુમ, વિશ્વદિપસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.