કેન્દ્રના ગૃહ તથા સહકારી મંત્રી અમિત શાહ આગામી તારીખ 19 તથા 20 મીના રોજ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવનાર છે. શુક્રવાર તારીખ 19 મેના રોજ બીએસએફના હવાઈ જહાજ મારફતે અમિત શાહ રાત્રે 10:30 વાગ્યે જામનગર આવશે. ત્યાં સર્કિટ હાઉસ ખાતે તેઓ રાત્રિ રોકાણ કરી અને સવારે સ્થાનિક આગેવાનો, કાર્યકરોને મળીને શનિવારે સવારે 11 વાગ્યે દ્વારકા માટે રવાના થશે. જ્યાં તારીખ 20 મીના રોજ બપોરે પોણા બાર વાગ્યે દ્વારકાના રૂક્ષ્મણી મંદિર પાસેના હેલીપેડ ખાતે તેઓ ઉતરશે. જ્યાં સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી સહિતના આગેવાનો તથા કાર્યકરો તેમનું સ્વાગત કરશે.
ત્યારબાદ તેઓ દ્વારકામાં શંકરાચાર્ય સહજાનંદ સરસ્વતીની શારદાપીઠની મુલાકાત લઈ અને દ્વારકાધીશ મંદિરે દર્શન કરશે. આ ઉપરાંત નેશનલ એકેડેમી ફોર કોસ્ટલ પોલીસના સ્થળની મુલાકાત લઇ અને તેઓ દ્વારકાના મોજપ ગામે ભાજપ દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમ સ્થળે જશે. અહીં એન.એ.સી.પી.નો શિલાન્યાસ કાર્યક્રમ કરીને બપોરે આશરે પોણા ચાર વાગ્યે હેલીપેડ મારફતે જામનગર મથકેથી વિમાનમાં જવા રવાના થનાર હોવાનું જાણવા મળ્યું છે.