દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મરીન વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ઓખાથી બેટ દ્વારકા તરફ જવા માટે આવતી પેસેન્જર જેટી ઉપર આવતા માણસોની ભીડમાં એક યુવાન દરિયામાં આપઘાત કરવાની કોશિશ કરતા આ યુવાનને સ્થાનિક પોલીસે પકડી લઈ અને પોલીસ મથકમાં લઈ જવાયો હતો. આ યુવાનના કાઉન્સિલિંગ માટે સી-ટીમને સાથે રાખીને આઈ.સી.જે.એસ. પોર્ટલના ઉપયોગથી ગુમ થનારનું નામ-સરનામું સર્ચ કરતા આ યુવાન રાજસ્થાનના અજમેર જિલ્લાના કિશનગઢ શહેરના પોલીસ મથકમાં ગત તારીખ 10 મે 2023 ના રોજ નોંધાયેલા ગુમનોંધનો હોવાનું ખુલવા પામ્યું હતું.
આથી પોલીસે આ યુવાનના પરિવારજનો સાથે ટેલિફોનિક વાત કરતા તેઓ ઓખા પોલીસ સ્ટેશને આવ્યા હતા અને તેને લગતા ડોક્યુમેન્ટ્સની ખરાઈ કર્યા બાદ આ યુવાનનું પરિવારજનો સાથે મિલન કરાવાયું હતું. આ સમગ્ર કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. દેવ વાંઝા, આશપાલભાઈ મોવર, કિશોરભાઈ નંદાણીયા, પ્રવીણભાઈ વાણીયા તેમજ જયેશભાઈ ભાટુ દ્વારા કરવામાં આવી હતી.