ધ્રોલ તાલુકાના જાયવા ગામના પાટીયા પાસે આવેલી આશાપુરા હોટલ નજીક મધ્યરાત્રિના સમયે પસાર થતી વેગેનાર કારના ચાલકે કાબુ ગુમાવી પાર્ક કરેલા ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે ચાલક સહિતના અન્ય વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, રાજકોટના આનંદનગર મેઈન રોડ પર બગીચા સામે વસંત વ્રજ બિલ્ડિંગમાં રહેતાં પરષોતમભાઈ સુંદરજીભાઈ પરમાર નામના લુહારી કામ કરતા વૃદ્ધ તેના પિતરાઇ ભાઈ સાથે જીજે-01-કેએમ-6407 વેગેનાર કારમાં ધ્રોલ તાલુકાના જાયવા ગામના પાટીયા પાસે આવેલી આશાપુરા હોટલ નજીક શુક્રવારની મધ્યરાત્રિના સમયે પસાર થતા હતાં તે દરમિયાન વેગેનારના ચાલક પરેશ ડાંગર દ્વારા રોડની સાઈડમાં પાર્ક કરેલ અને પાર્કિંગ સીગ્નલ ચાલુ હોવા છતા તેમની કાર જીજે-10-ટીએકસ-3588 નંબરના ટ્રક પાછળ અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં બેસેલા કિશોરભાઈ મેઘજીભાઈ પરમાર નામના વ્યક્તિને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ચાલક પરેશ અને મૃતક કિશોરભાઈના પિતરાઈ પરશોતમભાઈ પરમાર નામના વૃદ્ધને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
બનાવમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં અને બનાવની જાણ થતા ધ્રોલ પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અને કારચાલક પરેશ ડાંગર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.