વડાપ્રધાન મોદી આજે ગુજરાત પ્રવાસે આવ્યા છે. તે અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધીનગર જવા રવાના થયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમા ઉપસ્થિત રહયા હતા.
વડાપ્રધાન મોદીએ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું કે શિક્ષકોની ભૂમિકા ખૂબ જ મોટી છે. સરકારી સ્કૂલોમાં દીકરીઓ માટે અલગ શૌચાલયની હવે વ્યવસ્થા જોવા મળે છે. ઉમરગામથી અંબાજી સુધી વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ જ નહોતો થતો. આજે આદિવાસીના દીકરા-દીકરીઓ ડોક્ટર અને એન્જિનિયર બની રહ્યા છે. વિદેશી નેતાઓના જીવનમાં ભારતીય શિક્ષકોનું મોટુ યોગદાન છે. ઘણા ભૂટાનના નાગરિકોને ભારતીય શિક્ષકે ભણાવ્યા છે.
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રૂ.2452 કરોડના વિવિધ વિભાગોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. જેમાં શહેરી વિકાસ વિભાગના રૂ.1654 કરોડ, વોટર સપ્લાય વિભાગના રૂ.734 કરોડ, માર્ગ અને વાહનવ્યવહાર વિભાગના રૂ.39 કરોડ તેમજ ખાણ અને ખનિજ વિભાગના રૂ.25 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. ગઈકાલે મુખ્યમંત્રીએ મહાત્મા મંદિર ખાતે અમૃત આવાસ ઉત્સવ અને વિવિધ વિકાસ કામોના કાર્યક્રમની અંતિમ તબક્કાની પૂર્વ તૈયારીઓ તથા બેઠક વ્યવસ્થા, લાભાર્થીઓ માટેની વ્યવસ્થાઓ તેમજ સ્ટેજ વગેરેનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશભરના 18997 આવાસોમાં લાભાર્થીઓના ગૃહપ્રવેશ તથા નવા 7110 આવાસોના બાંધકામનું ખાતમુર્હુત કરશે. જેમાં ગુજરાતમાં રાજકોટ નજીક લોધીકા સહિતના ગ્રામીણ આવાસમાં લાભાર્થીને ચાવી સોપવાનો કાર્યક્રમ યોજાશે. મોદી બાદમાં બપોરના બે કલાક રાજભવનમાં વિતાવશે જયાં તેઓ રાજયની યોજનાઓ અંગે સમીક્ષા કરશે અને બાદમાં તેઓ ગીફટ સીટીમાં હાલ હાજરી આપી વિવિધ કંપનીઓના વડાઓ સાથે એક બેઠક યોજશે તથા ગીફટ સીટીને વધુ કઈ રીતે આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સીયલ સીટી બનાવી શકાય તે અંગે ચર્ચા કરશે.
સૌથી મહત્વમાં વડાપ્રધાન મોદી બાદમાં તમામ યુનિ.ના કુલપતિઓ સાથે બેઠક યોજશે. જો કે રાજયની સૌરાષ્ટ્ર સહિતની મોટાભાગની યુનિ.માં હાલ ઈન્ચાર્જથી વહીવટ ચાલે પણ આ રીતે યુનિ.ના કુલપતિઓ સાથેની વડાપ્રધાનની બેઠક મહત્વની બની રહેશે તેવા સંકેત છે.
મોદી આ ઉપરાંત રાજભવનમાં ભાજપના ટોચના પદાધિકારીઓ સાથે પણ બેઠક યોજી શકે છે. મોદીના આગમનના કારણે અમદાવાદ-ગાંધીનગરમાં જબરો સુરક્ષા બંદોબસ્ત લાદી દેવાયો છે તથા અનેક માર્ગો પરના ટ્રાફિકને ડાઈવર્ટ કરાયા છે.