ખંભાળિયામાં રહેતા એક આસામી દ્વારા મોટી રકમની વીજચોરી કરતાં આ અંગે ફટકારવામાં આવેલું વીજબિલ ન ભરવાના કારણે આ શખ્સ સામે ખંભાળિયાની અદાલતમાં કેસ ચાલી જતા અદાલતે આરોપીને ત્રણ ગણો દંડ તથા ત્રણ વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયાની પીજીવીસીએલ ગ્રામ્ય પેટા વિભાગ કચેરીના જુનિયર એન્જિનિયર દ્વારા ખંભાળિયામાં રેલ્વે સ્ટેશન પાસે એક મંદિરની બાજુમાં રહેતા ગઢવી પ્રવીણ કારૂ દામાના રહેણાંક મકાનમાં ગત તારીખ 5 ઓક્ટોબર 2021 ના રોજ કરવામાં આવેલા વીજ ચેકિંગ દરમિયાન ઉપરોક્ત શખ્સના રહેણાંક મકાનમાં ધોરણસરનું વીજ કનેક્શન ન હતું. છતાં તેના દ્વારા બાજુમાંથી પસાર થતી વીજ લાઈનમાંથી અનઅધિકૃત રીતે લંગરીયું નાખી અને આશરે 3420 વોટનો વીજ વપરાશ કરવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું હતું.
આ વીજચોરી અંગેનો કેસ હોવાથી ચેકિંગ અધિકારીએ સ્થળ ઉપર ચેકિંગ રિપોર્ટ તથા સ્થળ રોજકામ કરી અને વીજચોરીના સાધનો કબજે કર્યા હતા. આ પછી આરોપી પ્રવીણ કારુ દામાની વીજચોરી સંબંધે ખંભાળિયા પીજીવીસીએલના શહેર પેટા વિભાગ દ્વારા ધોરણસર આકારણી કરી અને આ શખ્સને રૂપિયા 1,32,942 ની વીજચોરી અંગેનું પુરવણી બિલ તેમજ નોટિસ ફટકારી હતી.
જે રકમ કરવા માટે આ શખ્સ જવાબદાર હોવા છતાં તેના દ્વારા નિયત સમયમાં ઉપરોક્ત બિલની રકમ ભરવામાં આવી ન હતી. જે સંદર્ભે વીજતંત્ર દ્વારા જામનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આરોપી પ્રવીણ કારુ સામે તપાસનીસ અધિકારી દ્વારા ચાર્જસીટ રજૂ કરવામાં આવ્યું હતું.
આ અંગેનો કેસ ખંભાળિયાની પ્રિન્સિપલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ બી.એસ. જાડેજાની દલીલોને ગ્રાહ્ય રાખી, આરોપી પ્રવીણ ગઢવીને તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષની સખત કેદ તથા પુરવણી બિલની રકમનો ત્રણ ગણો દંડ રૂ. 398,826 ભરપાઈ કરવા હુકમ કર્યો હતો.