આજરોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસના દિને ખંભાળિયામાં એસ.ટી. બસના મુસાફરોને કડવો અનુભવ થયો છે. ખંભાળિયાથી જુનાગઢ જવા માટે સવારે પોણા સાત વાગ્યે ઉપડતી બસ સમયસર સાડા છ વાગ્યે પ્લેટફોર્મ પર મુકાઈ ગઈ હતી.
આ બસમાં જુનાગઢ, જામજોધપુર સહિતના સ્થળોએ જવા માટે મુસાફરો ગોઠવાઈ ગયા હતા. પરંતુ આ બસ સાત વાગ્યા સુધી ન ઉપાડતા જાગૃત નાગરિકોએ તપાસ કરતા આ બસના કંડકટર જ આવ્યા ન હતા. આ બસમાં હાજર મુસાફરો પૈકી ખાખરડા ગામના નિવૃત્ત આચાર્ય અને સિનિયર સિટીઝન નવીનભાઈ જોશીએ અહીંના જાગૃત આગેવાનોને જાણ કરતા તેમણે એસ.ટી. ડેપો મેનેજરને ઉઠાડીને અન્ય બસના કંડકટરને આ બસમાં મોકલીને જરૂરી વ્યવસ્થા કરાવી હતી.
સવારે પોણા સાત વાગ્યાની આ બસ આખરે સવા આઠ વાગ્યે અહીંથી રવાના થઈ હતી. આમ, દોઢેક કલાક સુધી બસ ઉપડવાની રાહ જોઈને બેઠેલા મુસાફરો, સિનિયર સિટીઝનો તથા બાળકો ભારે પરેશાન થઈ ગયા હતા. આ બસના કંડકટર બીમાર હોવાથી આમ થયાનું બહાર આવ્યું છે. પણ જો કંડકટર બીમાર હોય તો સમયસર જાણ કરવાની હોય તેમ કરવામાં ન આવતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ બાબતને એસટી તંત્ર માટે શરમજનક ગણાવવામાં આવી રહી છે.