જામનગરમાં બે બાળકો દ્વારા દિક્ષા ગ્રહણ કરવામાં આવતાં ગઇકાલે રવિવારે બંને બાળકોનો દિક્ષાર્થીના વરસીદાનનો વરઘોડો યોજાયો હતો. કામદાર કોલોની જૈન સંઘના આંગણે યોજાઇ રહેલ આ દિક્ષા ગ્રહણ ઉત્સવ અંતર્ગત મોક્ષ રાકેશ કોરડીયા અને જૈનમ્ નિલેશ હરણિયાની દિક્ષાવિધિ ઓશવાળ સેન્ટર ખાતે યોજાઇ રહી છે. શનિવારથી શરુ થયેલા આ દિક્ષા ગ્રહણ ઉત્સવમાં પાંચ દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
જે અંતર્ગત ગઇકાલે રવિવારે સવારે ચાંદીબજારમાં આવેલા શેઠજી દેરાસર ખાતેથી વરઘોડો યોજાયો હતો. આ વરઘોડામાં દર્શને આચાર્યો લલિતશેખરસુરિશ્ર્વરજી મ.સા., મનમોહનસુરિશ્ર્વરજી મ.સા. સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં. શેઠજી દેરાસર ખાતેથી પ્રારંભ થયેલો વરઘોડો શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી તંબોલી માર્કેટ પાસે આવેલ અમૃતવાડી ખાતે સમાપન થયું હતું. જ્યાં આચાર્યગુરૂદેવોએ માંગલિક સંભળાવ્યું હતું. જ્યાં વરસીતપના તપસવીઓના પારણા થયા હતાં. આ દિક્ષાર્થીઓના વરઘોડામાં જૈન સમાજના નિલેશભાઇ કગથરા, ભરતભાઇ વસા, મનિષભાઇ વોરા, પિયુષભાઇ પારેખ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.