કાલાવડ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ઉમેદવારો ચૂંટણી લડી રહયા છે. જયારે ખરીદ વેચાણ સંઘમાં બે ઉમેદવારો બીનહરીફ જાહેર થયા છે. ભાજપાના બે ઉમેદવારો બીન હરીફ જાહેર થયા છે. અને 14 ઉમેદવારો ચૂંટણી લડી રહયા હોય જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરાએ આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ ઉમેદવારોની પણ જીતનો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.
આગામી તા. 28 એપ્રિલના રોજ કાલાવડ એપીએમસીની ચૂંટણી યોજાવા જઇ રહી છે જેમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાલાવડ એપીએમસીના ખેડૂત વિભાગ માટે 10, વેપારી વિભાગ માટે 4 ઉમેદવારોની પેનલ જાહેર કરવામાં આવી છે. જયારે ખરીદ વેચાણ સહકારી મંડળીમાં ભાજપાના બે ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
કાલાવડ એપીએમસીની ચૂંટણીમાં ભાજપા દ્વારા ખેડૂત વિભાગ માટે ગાડુંભાઇ જેઠાભાઇ ડાંગરિયા, કશ્યપભાઇ પુરૂષોત્તમભાઇ વૈષ્ણવ, મુકુન્દભાઇ ભીખાભાઇ સાવલીયા, અભિજિતસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, પૃથ્વીસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, મનસુખલાલ પરસોત્તમભાઇ વાદી, બળદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા, મહેશભાઇ અરજણભાઇ ઘાડિયા, રઘુવીરસિંહ ચંદ્રસિંહ જાડેજાની પેનલ ચૂંટણી લડશે. આ ઉપરાંત વેપારી વિભાગમાં આંબાભાઇ પાચાભાઇ સોજિત્રા, ભૂમિતભાઇ કેશવજીભાઇ ફળદુ, રસિકભાઇ ઓધવજીભાઇ આંબલીયા તથા રાજેશભાઇ ભીખાભાઇ વાદીની પેનલ ચૂંટણી જંગમાં ભાજપ તરફથી મેદાને છે. તેમજ ખરીદ વેચાણ સહકારી મંડળીમાં ભાજપના જમનભાઇ પોપટભાઇ તારપરા તથા મૌલિક દિલીપભાઇ નથવાણી બીનહરીફ વિજેતા થયા છે.
કાલાવડ કોંગ્રેસને આંચકો
કાલાવડ કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ જિલ્લા પંચાયતના મુકેશભાઇ સાવલીયા, કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. મુકેશભાઇ સાવલીયા, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા સહિતના ભાજપાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કેસરિયો ખેસ પહેરી વિધીવત રીતે ભાજપમાં જોડાયા હતા. ભાજપામાં જોડાયાની સાથે જ ભાજપા દ્વારા મુકેશભાઇ સાવલીયાને કાલાવડ એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત વિભાગની ચૂંટણીમાં ઉમેદવારી માટે મેન્ડેટ આપ્યું હતું.