જામનગર મહાપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે રાબેતા મુજબની તડાપીટ બોલી હતી. વિપક્ષી સભ્યોએ અધિકારીના ભ્રષ્ટાચાર, આરોગ્ય કેન્દ્રના સ્થળાંતર સહિતના મુદ્ે સત્તાપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
સામાપક્ષે સત્તાપક્ષના સભ્યો દ્વારા પણ આક્ષેપોનો ઉગ્ર જવાબ આપવામાં આવ્યા હતાં. સામાન્ય સભામાં મિલકત વેરાની બાકી રકમ પર વ્યાજ રાહતની યોજના એક મહિનો લંબાવવાને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે અક્ષયપાત્ર ફાઉન્ડેશનના મેગા કિચન માટે આર્થિક સહયોગ આપનાર મુખ્યદાતા રિલાયન્સ ફાઉન્ડેશન પ્રત્યે આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.
મેયર બિનાબેન કોઠારીના અધ્યક્ષ સ્થાને જામનગર મહાપાલિકાની સામાન્ય સભા જામનગર ચેમ્બર હોલમાં યોજવામાં આવી હતી. દર બે મહિને યોજાતી આ સમાન્ય સભામાં જામ્યુકોના કર્મચારીઓને 10-20 અને 30 વર્ષ ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો. જ્યારે બોમ્બ નર્સિંગ હોમ રજીસ્ટ્રેશન એકટ હેઠળ ઘડવામાં આવેલા પેટા કાયદાઓને પણ મંજૂરી આપવામાં આવી હતી. સામાન્ય સભામાં મધ્યાહ્ન ભોજન યોજના અન્વયે અક્ષય પાત્ર ફાઉન્ડેશનના મેગા કિચન માટે મુખ્ય સહયોગ આપનાર દાતા રિલાયન્સ ફાઉન્ડેશન પ્રત્યે આભાર પ્રકટ કરવામાં આવ્યો હતો. જ્યારે જામ્યુકોની હદમાં આવતી કુલ 52 પ્રાથમિક શાળાને રિલાયન્સ ફાઉન્ડેશન અંતર્ગત સરકારી સબસીડી ઉપરાંત મધ્યાહ્ન ભોજનની રકમમાં રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી સહકારને સ્વિકારવામાં આવ્યો હતો.
જ્યારે ટેક્સની બાકી રકમ પર વ્યાજ માફી યોજના 30 એપ્રિલ સુધી લંબાવવાના સ્થાયી સમિતિના ઠરાવને પણ બહાલી આપવામાં આવી હતી. બેઠકના પ્રારંભ પૂર્વે પૂર્વ ક્રિકેટર સલિમ દુરાનીના માનમાં બે મિનિટનું મૌન પાડી શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. એજન્ડા બાદ શરુ થયેલી પ્રશ્ર્નોતરીમાં વિપક્ષી સભ્યોએ ભ્રષ્ટાચાર સહિતના મુદ્ે સત્તાપક્ષ પર તડાપીટ બોલાવી હતી. વિપક્ષી મહિલા કોર્પોરેટર રચના નંદાણિયાએ અધિકારીના ભ્રષ્ટાચારના વિરોધમાં વકીલનો ગેટઅપ ધારણ કરીને સામાન્ય સભામાં રજૂઆત કરી હતી. તેમજ અધિકારી સામે કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી હતી. બીજીતરફ વોર્ડ નં. 12માં આવેલા પાનવાળા આરોગ્ય કેન્દ્રને વોર્ડ નં. 9માં સ્થળાંતર કરવામાં આવેલ છે. તેને ફરીથી પાનવાળા વિસ્તારમાં કાર્યરત કરવા માટે વિપક્ષના પૂર્વ નેતા અસ્લમ ખિલજીએ રજૂઆત કરી હતી. આ મુદ્ે વિપક્ષી કોર્પોરેટરે મેયરને પત્ર પણ પાઠવ્યો હતો. તેમજ વિપક્ષના સભ્યોએ આરોગ્ય કેન્દ્ર મુદ્ે સભાખંડ બહાર ધરણા પ્રદર્શન પણ કર્યું હતું.