જામનગર શહેરના બાલાચડી સૈનિક સ્કૂલ પાસે રહેતાં પ્રૌઢે તેની પત્નિની પેરાલીસીસની સારવાર માટે 30 ટકા વ્યાજે રૂા. 50,000ની રકમ લીધી હતી. આ રકમ પેટે રૂા. 1,50,000 ચૂકવી દીધા છતાં બે વ્યાજખોરોએ પ્રૌઢ પાસેથી રૂા. 4 લાખનો ચેક લખાવી રિર્ટન કરાવી વધુ રૂા. 45000ની માગણી કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરમાં બાલાચડી સૈનિક સ્કૂલ પાસે રહેતાં અને મજૂરીકામ કરતાં જમનભાઇ વસંતભાઇ વાઘેલા નામના પ્રૌઢે તેની પત્નિની પેરાલીસીસની સારવાર માટે જેન્તી જેરામ સોનાગ્રા પાસેથી 30 ટકા ઉંચા વ્યાજે રૂા. 50,000ની રકમ લીધી હતી. આ રકમના વ્યાજ પેટે પ્રૌઢે કટકે-કટકે રૂા. 1,50,000 ચૂકવી દીધા હતાં. તેમ છતાં જેન્તીભાઇએ સુલતાન ઇસાક હાલાણી સાથે મળીને પ્રૌઢને અવાર-નવાર પરેશાન કરી સુલતાનના નામનો રૂા. 4,00,000નો ચેક બેંકમાં ભરી રિટર્ન થતાં બંનેએ પ્રૌઢ સાથે બળજબરી કરી બેંકના કોરા ચેકમાં સહી કરાવી રૂા. 45,000ની વધુ ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં વ્યાજખોરોથી કંટાળેલા પ્રૌઢે પોલીસમાં જાણ કરતાં હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.