ભાણવડ નજીકના હાઈવે માર્ગ પરથી ગઈકાલે રવિવારે ચઢતા પહોરે એક સ્કોર્પિયો મોટરકારને પોલીસે અટકાવી, ચેકિંગ કરતા આ કારમાંથી દેશી દારૂનો તોતિંગ જથ્થો મળી આવ્યો હતો. કારને એક તરફ રાખીને કાર ચાલક નાશી છૂટવામાં સફળ થયો હતો. જ્યારે પોલીસે કુલ રૂપિયા 2.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની સૂચના મુજબ ભાણવડ પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં ભાણવડના પી.એસ.આઈ. પી.ડી. વંદાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન રવિવારે સવારે આશરે પોણા પાંચેક વાગ્યાના સમયે ભાણવડથી આશરે 11 કિલોમીટર દૂર હનુમાનગઢ થી જામનગર તરફ જતા માર્ગે એક મોટરકારમાં દારૂનો જથ્થો સપ્લાય થતો હોવાની અંગેની બાતમી કોન્સ્ટેબલ વેજાણંદભાઈ બેરા તથા વિપુલભાઈ મોરીને મળતા વોચ દરમિયાન આશરે પોણા છ વાગ્યે આ માર્ગ પરથી પસાર થતી જી.જે. 10 એ.સી. 6443 નંબરની એક સ્કોર્પિયો મોટરકારને પોલીસે અટકાવી હતી. આથી કારના ચાલકે પોતાની મોટરકાર ઊભી રાખી અને અંધારામાં નાસી છૂટવામાં સફળ થયો હતો.
ભાણવડ પોલીસે આ મોટરકારની તલાસી લેતા આ મોટરકારમાં લઈ જવાતા જુદા-જુદા પંદર કોથળામાંથી દેશી દારૂનો 750 લીટર જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂપિયા 15,000 ની કિંમતનો દારૂ તથા રૂપિયા અઢી લાખની કિંમતની મોટરકાર મળી કુલ રૂપિયા 2.65 લાખનો મુદ્દામાલ કબજે કરી, નાસી છૂટેલા આરોપી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. આ સમગ્ર કામગીરી ભાણવડના પી.એસ.આઈ. પી.ડી. વાંદા, સર્વેલન્સ સ્કવોડના એ.એસ.આઈ. ગીરીશભાઈ ગોજીયા, કિશોરસિંહ જાડેજા, વેજાણંદભાઈ બેરા, વિપુલભાઈ મોરી, મનહરસિંહ જાડેજા, અજયભાઈ ભારવાડીયા તથા મીનાબેન નંદાણીયા દ્વારા કરવામાં આવી હતી.