જામનગર શહેરના બેડી વિસ્તારમાં ચાલતી નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગેરકાયદેસર રીતે વીજ વપરાશ થતો હોય, પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન સ્થળ પરથી વીજચોરીમાં વપરાયેલ વીજવાયર કબ્જે કરી પાંચ લાખનું પૂરવણી બીલ ફટકારવામાં આવ્યું હતું.
ગઈકાલે રાત્રીના સમયે જામનગર પીજીવીસીએલની ટીમ દ્વારા શહેરના બેડી બંદર રોડ રેલવે વીન્ડમીલની સામે ચાલતી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. પીજીવીસીએલની ચાર ચેકિંગ સ્કવોર્ડ દ્વારા ચાર જીયુવીએનએલ પોલીસ તથા આઠ એસઆરપી જવાનો સાથે હાથ ધરેલા ચેકિંગ દરમિયાન મેદાનમાં ચાલતી નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં દલ સુલેમાન ઉમરભાઈ દ્વારા વીજ ટ્રાન્સફોર્મરમાંથી બિનઅધિકૃત રીતે વીજ જોડાણ મેળવી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં લાઈટીંગ માટે ગેરકાયદેસર વીજ વપરાશ કરાતો હોવાનું સામે આવ્યું હતું. જેથી પીજીવીસીએલ દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણ કાપી સ્થળ પરથી વીજચોરીમાં વપરાયેલ વીજવાયર સહિતનો સામાન કબ્જે કર્યો હતો અને આસામી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રૂા.5 લાખનું વીજ પૂરવણી બીલ ફટકાર્યુ હતું.