ધ્રોલ તાલુકાના વાંકીયા ગામમાં રહેતાં વૃદ્ધ તેની પુત્રીને સ્કૂલે મુકીને પરત આવતા હતાં તે દરમિયાન પાછળથી આવી રહેલી ઈકો કારના ચાલકે ઠોકરે ચડાવતા વૃદ્ધનું બાઈક પરથી ભટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને ધ્રોલ અને ત્યારબાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના વાંકીયા ગામમાં રહેતાં ખેડૂત નરશીભાઈ ભીમાણી નામના વૃધ્ધ ગત તા.4 ના રોજ સવારના સમયે તેના ભાઈના જીજે-21-એઈ-9258 નંબરના બાઈક પર તેની પુત્રી મનસ્વી ને બીએમ પટેલ સ્કૂલે મૂકીને પરત આવતા હતાં ત્યારે આંબા ભગતની જગ્યાની સામેના રોડ પર પહોંચ્યા તે સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલી જીજે-02-બીડી-3292 નંબરની ઈકો કારના ચાલકે વૃદ્ધના બાઈકને ઠોકરે મારતા કાબુ ગુમાવી દેતા વૃદ્ધ બાઈક સાથે રોડ પર પટકાતા માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા બેશુદ્ધ થઈ જતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની હાલત વધુ ગંભીર જણાતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું સારવાર દરમિયાન 7 એપ્રિલના રોજ મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર ભાવેશ દ્વારા જાણ કરાતા પીએસઆઈ પી.જી.પનારા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.