ગુજરાત સરકારની જ્ઞાનશક્તિ રેસિડેન્સી, જ્ઞાનસેતુ ડે સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલો અંગે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના સચિવે ફેર વિચારણા કરવાની જરૂર છે. તેમ જામનગરના ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે લેખિત રજૂઆત કરી છે.
જેમાં જણાવ્યું છે કે, રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા સેલ્ફ ફાયનાન્સ ધોરણે ધો. 6 થી 12ની જ્ઞાનશક્તિ રેસિડેન્સી 300 બાળકોની સંખ્યાવાળી 75 સ્કૂલો, જ્ઞાનસેતુ ડે સ્કૂલ 70 બાળકોની સંખ્યાવાળી 400 સ્કૂલો (જેમાં તાલુકા/જિલ્લાની 50 સ્કૂલો તેમજ મહાનગરપાલિકાની 150 સ્કૂલો) અને રક્ષાશક્તિ સ્કૂલો ઉભી કરવાની જાહેરાત કરવામાં આવેલ હતી. આ બાબતે ધો. 5ના બાળકોની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લઇ ધો. 6માં પ્રવેશ આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે. તા. 27 એપ્રિલ-2023ના રોજ તેની કોમન એન્ટ્રન્સ પણ યોજાનાર છે. સરકારની કોઇપણ બાબત બાળકો, શિક્ષકો અને શિક્ષણના હિતમાં હોય ત્યારે અમારા સંગઠનનો કોઇ વિરોધ ન હોય, પરંતુ આ બાબતથી ભવિષ્યમાં ધો. 6થી 8ની પ્રાથમિક શાળાઓમાં ઓવર સેટઅપના પ્રશ્ર્નો ઉભા થશે. તેમજ શાળાના પ્રતિભાશાળી બાળકો પ્રવેશ પરીક્ષા આપીને ત્યાં પ્રવેશ મેળવશે એટલી ધીમી ગતિએ શીખનાર કે અમુક બાળકો જ સ્કૂલમાં રહેશે. જેથી શાળાના અપેક્ષિત પરિણામ ન મળે ત્યારે વાલીઓની શાળા પ્રત્યેની માનસિકતા બદલાઇ જાય કે, શાળામાં બાળકોને યોગ્ય રીતે શિક્ષણ આપવામાં આવતું નથી તેવા ઘણા ભયસ્થાનો રહેલા છે. તેમ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા તથા મહામંત્રી મનોજભાઇ પટેલે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના સચિવ ડો. વિનોદ રાવને પત્ર દ્વારા રજૂઆત કરી છે.