જામનગર તાલુકાના દરેડ ગામ નજીક આવેલા એક ફાર્મ હાઉસમાં કૂવામાં દિવ્યાંગ યુવક અકસ્માતે પડી જતાં ફાયર બ્રિગેડની ટીમે રાત્રીના સમયે રેસ્કયૂ કરી યુવકને બચાવી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામ નજીક મસીતિયા રોડ પર આવેલા ભવાની ફાર્મ હાઉસ સામેના 100 ફુટ ઉંડા કૂવામાં રવિરાજ નામનો દિવ્યાંગ યુવક કોઇ કારણસર પડી ગયો હતો આ ઘટનાની જાણ થતા રાત્રીના સમયે જામનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટોર્ચના સહારે કૂવામાંથી દિવ્યાંગ યુવકને બહાર કાઢવા માટે રેસ્કયૂ શરૂ કર્યુ હતું. ફાયર ટીમની ભારે જહેમત બાદ યુવકને સલામત રીતે બચાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવકને સારવાર માટે જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.