ગુજરાત પંચાયત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગઇકાલે જુનિયર કલાર્કની પરીક્ષા યોજાઇ હતી. જેમાં જામનગરમાં નોંધાયેલા 26882 ઉમેદવારો પકી 12813 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આમ, 50 ટકાથી વધુ ઉમેદવારો ગેરહાજર રહ્યાં હતાં. જામનગરની 80 શાળા કોલેજોના 95 યુનિટના 897 વર્ગખંડોમાં પરીક્ષા યોજાઇ હતી. તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની દેખરેખ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ પરીક્ષા કેન્દ્ર ઉપર 1900થી વધુ સ્ટાફ ફરજ ઉપર હાજર રહ્યો હતો અને ઉમેદવારોને કોઇ મુશ્કેલી ન પડે અને પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન થાય તે માટે તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી હતી. અન્ય જિલ્લાના સંખ્યાબંધ ઉમેદવારો આગલી રાત્રે જ જામનગર આવી ગયા હતાં. પરીક્ષાના એક-બે કલાક અગાઉથી મોટાભાગના ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે પહોંચી ગયા હતાં. પરીક્ષા કેન્દ્ર ખાતે પોલીસ સ્ટાફ પણ ખડેપગે રહ્યો હતો. તેમજ કલેકટર બી.એ. શાહના નેજા હેઠળ તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્ર ખાતે કામગીરીની દેખરેખ રાખી હતી. એકંદરે જુનિયર કલાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ હતી. જેથી તંત્રએ પણ રાહતનો શ્ર્વાસ લીધો હતો.