આજરોજ ચૈત્ર સુદ પૂનમના પાવન દિવસે હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી સમગ્ર દેશ- વિદેશમાં કરવામાં આવી હતી. ત્યારે છોટી કાશી ગણાતા જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃશક્તિ, દુર્ગાવાહિની દ્વારા શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું હતું. તેમજ આ શોભાયાત્રા પૂર્વે સંતો- મહંતોની ઉપસ્થિતિમાં બજરંગ દળ માં નવા જોડાઈ રહેલા 200થી વધુ હિન્દુ નવયુવાનોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી.
હનુમાન જન્મોત્સવના પાવન અવસરે જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ દ્વારા મિગ કોલોની માં આવેલ શ્રી જંગલેશ્ર્વર મહાદેવ મંદિર ખાતેથી શ્રી હનુમાન જન્મોત્સવ ની વાજતગાજતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. આ તકે જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નિલેશભાઇ ઉદાણી, લોહાણ સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ સહિતના મહાનુભાવો ઉપરાંત સંતો-મહંતો દ્વારા શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
આ શોભાયાત્રા પ્રદર્શન ગ્રાઉન્ડ, લાલ બંગલા સર્કલ, ટાઉન હોલ, બેડી ગેટ, સજુબા સ્કૂલ, ચાંદી બજાર, હવાઈ ચોક થઈ તળાવની પાળે આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિર ખાતે સંપન્ન થઇ હતી. આ શોભાયાત્રા દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા તૈયાર કરાયેલા હનુમાનજીના ધાર્મિક ફ્લોટ્સ ઉપરાંત ગાયત્રી શક્તિપીઠ દ્વારા શોભાયાત્રા દરમિયાન ચલિત માં હવન પણ કરાયો હતો.
આ શોભાયાત્રા પૂર્વે બજરંગ દળ ના 200 થી વધુ નવયુવકોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી. હિન્દુ ધર્મની રક્ષા કાજે યુવકોમાં ધાર્મિકતા સાથે રાષ્ટ્રભાવના જાગૃત થાય તે માટે સેવા, સુરક્ષા અને સંસ્કારના સિંચન સાથે બજરંગ દળ માં યુવાનોને સામેલ કરવામાં આવ્યા હતા.
શ્રી હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે જામનગરમાં યોજાયેલ શોભાયાત્રાની તૈયારી માટે વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રહ્મણ્યમ પિલે, મંત્રી ધર્મેશભાઈ ગોંડલિયા, સહમંત્રી હેમંતસિંહ જાડેજા, રવિન્દ્રભાઈ કુંભારાણા, જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, સત્સંગ સંયોજક મનહરભાઈ બગલ, માતૃશક્તિ સંયોજીકા હીનાબેન અગ્રાવત, દુર્ગાવહિની ના કૃપાબેન લાલ, રીનાબેન લાખાણી, બજરંગ દળ ના સંયોજક હિરેનભાઈ ગંઢા, સહસયોજક ભૈરવભાઈ ચાંદ્રા, યાત્રા સંયોજક ઝીલ ભારાઇ અને સહસંયોજક હિમાંશુભારથી ગોસાઈજે જહેમત ઉઠાવી હતી. શોભાયાત્રા ના રૂટ પર વિવિધ ધાર્મિક સંસ્થાઓ અને સંગઠનો તેમજ અગ્રણીઓ દ્વારા સ્વાગત પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.