જામનગર શહેરમાં જુદા જુદા વિકાસ કામો હાથ ધરવા માટે કુલ રૂા.31.60 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી છે. રણજીતસાગરથી પમ્પ હાઉસ સુધી જૂની પાણીની લાઈન કાઢીને તેની જગ્યાએ નવી લાઈન નાખવા માટે 29 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી છે. ગુરૂવારે યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકના પ્રારંભે જન્નત નસીન થયેલા ક્રિકેટર સલીમ દુરાનીના માનમાં બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે મેયર કપ જીતનારી જામનગરની મેયર ઈલેવનની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.
ચેરમેન મનિષ કટારીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં રણજીતસાગર થી પમ્પ હાઉસ સુધી હાલની 500/600 એમ.એમ. ડાયામીટરની એમ.એસ. પાઈપલાઈન કાઢીને તેની જગ્યાએ 1000 એમ.એમ. ડાયામીટરની ડી.આઈ.પાઈપલાઈન નાખવા માટે રૂા.28.97 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.
આ ઉપરાંત સ્પોર્ટસ કોમ્પલેક્ષના સ્વીમિંગ પુલની જાળવણી માટે રૂા.13 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. વોર્ડ નં.7 માં શાંતિનગર સોસાયટી શેરી નં.1 થી 6 ની આડી – ઉભી શેરીમાં ડામર કાર્પેટ કરવા માટે ધારાસભ્યની ગ્રાન્ટ અન્વયે રૂા.12.82 લાખના ખર્ચને પણ બહાલી આપવામાં આવી હતી. જ્યારે ઢોરના ડબ્બામાં ઘાંસચારો સપ્લાય કરવા માટે રૂા.11.89 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. શહેરમાં ટી.પી. સ્કીમ નંબર 2 ના પ્લોટ નંબર 98 ને ધાર્મિક કાર્યક્રમ માટે સ્વામીનારાયણ સત્સંગ મંડળને ટોકન ભાડે આપવાનું મંજૂર કરવામાં આવ્યું છે. જયારે પમ્પ હાઉસ ખાતે સોલાર રુફટોપ પ્રોજેકટ માટે 1.26 કરોડની રકમ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત શહેરના જુદા જુદા ઝોન અને વોર્ડમાં સીવીલ વર્ક, રસ્તાની જાળવણી, મરામત તેમજ સુધારણા માટેની ખર્ચ દરખાસ્તો પણ મંજૂર કરવામાં આવી હતી.
સ્થાયી સમિતિમાં બેઠકના પ્રારંભે જાણીતા ક્રિકેટર સલીમ દુરાનીને બે મિનિટનું મૌન પાળીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે તાજેતરમાં વડોદરામાં રમાયેલ મેયર કપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં જામનગર મહાનગરપાલિકાની મેયર ઈલેવન ચેમ્પિયન બનતા સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. આ બેઠકમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડે. મેયર તપન પરમાર, આસી. કમિશનર કોમલબેન પટેલ, તેમજ જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.