Sunday, December 29, 2024
Homeરાજ્યજામનગરઆયુર્વેદ યુનિવર્સિટીને 8 વર્ષે યાદ આવ્યો પદવીદાન સમારોહ !

આયુર્વેદ યુનિવર્સિટીને 8 વર્ષે યાદ આવ્યો પદવીદાન સમારોહ !

8 વર્ષના 2000થી વધુ વિદ્યાર્થીઓની ડિગ્રીઓ યુનિવર્સિટીમાં જમા પડી છે : આગામી 25 એપ્રિલે રાજયપાલના અધ્યક્ષસ્થાને યોજાશે સમારંભ : 55 વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ, 42ને સિલ્વર મેડલ અપાશે

- Advertisement -

જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને આઠ વર્ષે પદવીદાન સમારોહ યાદ આવ્યો હોય તેમ આગામી રપ એપ્રિલે છેલ્લા 8 વર્ષથી ભેગી થયેલી 2000થી વધુ ડિગ્રીધારી છાત્રોની ડિગ્રી એનાયત કરવામાં આવશે. સામાન્ય રીતે શૈક્ષણિક વર્ષના પરિણામો જાહેર થયા બાદ ડિગ્રી મેળવનાર છાત્રોને વિશેષ સમારંભ દ્વારા તેમની પદવી એનાયત કરવામાં આવતી હોય છે. પરંતુ આયુર્વેદ યુનિવર્સિટી 8 વર્ષથી આવો સમારંભ યોજી નહીં શકતા આશ્ર્ચર્ય સર્જાયું છે. હવે છેક આઠ વર્ષ બાદ યુનિવર્સિટીના સતાધિશો પદવીદાન સમારોહ યોજવા જઇ રહ્યા છે.

- Advertisement -

જામનગરમાં આવેલ ગુજરાત આયુર્વેદ યુનિ.માં આગામી તા. 25 એપ્રિલના રોજ 28માં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આયુર્વેદ યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે. આઠ વર્ષ બાદ યોજાનાર પદવીદાન સમારોહમાં અંદાજિત 500 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે. તેમજ 55 વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ તથા 42 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ અપાશે.

જામનગરના મહારાજા અને મહારાણીએ આયુર્વેદ માટે એક સપનુ સેવ્યું હતું અને ઇ.સ. 1940માં ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટીની સ્થાપના કરી અને ઇ.સ. 1944માં રૂા. 60 લાખના ખર્ચે ધનવંતરિ નામનું બિલ્ડીંગ બંધાવ્યું હતું. ઇ.સ. 1946માં જામનગર ખાતે ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયની સ્થાપના સોસાયટી દ્વારા કરવામાં આવી હતી અને વૈદ્ય યાદવજી ત્રિકમજીને પ્રથમ આચાર્ય તરીકે નિયુક્ત કર્યા હતાં. તા. 17-12-1965ના ગુજરાત રાજ્ય દ્વારા વિધાનસભામાં વિધેયક મંજૂર કરી ગુજરાત રાજ્યની અંદર જુદા-જુદા સ્થળોએ આવેલી જુદી-જુદી કોલેજોને જોડાણ આપી જામનગર ખાતે ગુજરાત આયુર્વેદ યુનિર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાત આયુર્વેદ યુનિ. દ્વારા આગામી તા. 25 એપ્રિલના રોજ ધનવંતરી ઓડિટોરીયમ ખાતે રાજ્યપાલ અને ગુજરાત આયુ. યુનિ.ના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને 28મો પદવીદાન સમારોહ યોજાશે. ગુજરાત આયુર્વેદ યુનિ. દ્વારા છેલ્લા આઠ વર્ષથી પદવીદાન સમારોહ યોજાયો નથી. જેના પરિણામે અંદાજિત 2000થી વધુ વિદ્યાર્થીઓની ડિગ્રીઓ યુનિવર્સિટીમાં જમા પડી છે. ઉલ્લેખનિય છે કે, વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ તેમજ અનેક વખત ડિગ્રીઓની જરૂર પડતી હોય છે. ત્યારે આઠ-આઠ વર્ષથી યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહ યોજાયો ન હોય, વિશ્ર્વ પ્રસિધ્ધ યુનિવર્સિટીની ગંભીર બેદરકારી દેખાઇ રહી છે. વિદ્યાર્થીઓને ડિગ્રીની જરૂરીયાત હોય અને માગણી કરવામાં આવે તો પદવીદાન વિના 1000થી વધુ પ્રોવિઝનલ ડિગ્રી આપવામાં આવી છે. પરંતુ પદવીદાન સમારોહનું આયોજન કરાયું ન હતું. હાલમાં આયુર્વેદનું મહત્વ ખૂબ જ વધતું જાય છે. ત્યારે આયુર્વેદ યુનિવર્સિટીની આવી બેદરકારી સત્તાધિશોની ઢિલી નીતિ દર્શાવે છે. પદવીદાન સમારોહમાં આયુર્વેદના સ્નાતકો, અનુસ્નાતકો, પીએચડી સ્કોલર, ડિપ્લો વગેરે મળીને અંદાજિત 400 જેટલા વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત થશ. આ ઉપરાંત આયુર્વેદ ક્ષેત્રની નામાંકિત વ્યક્તિઓની સેવાઓને ધ્યાને લઇ તેઓને ડી.લીટની પદવી એનાયત કરવામાં આવશે. તેમજ રાજ્યની અન્ય યુનિવર્સિટી આયુર્વેદ શિક્ષણ અને સેવાના પ્રચાર-પ્રસાર અર્થે એમઓયુ હાથ ધરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular