જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં આજે હનુમાન જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં પ્રેમભિક્ષુજી મહારાજની પ્રેરણાથી વર્ષ 1964થી એટલે કે, 59 વર્ષથી અખંડ રામધૂન ચાલુ છે. તેવા વિશ્ર્વભરમાં બાલાહનુમાન સંકિર્તન ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. વ્હેલી સવારે બાલાહનુમાન સંકિર્તન મંદિર ખાતે વિશેષ આરતી કરવામાં આવી હતી. તો બીજીતરફ હનુમાન જયંતિને લઇ બાલા હનુમાન મંદિર ખાતે વ્હેલી સવારથી જ ભાવિકોના ઘોડાપૂર ઉમટયું હતું. હનુમાન ભક્તોએ લાંબી કતારોમાં ઉભા રહીને પણ હનુમાન જયંતિ નિમિત્તે દર્શનનો તેમજ અખંડ રામધૂનનો લાભ લીધો હતો. જામનગર શહેરમાં વિવિધ હનુમાન મંદિરોમાં યજ્ઞ, અન્નકોટ દર્શન, બટુક ભોજન સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતિને લઇ શહેરીજનોમાં અનેરો ઉત્સાહ છવાયો હતો.