ખંભાળિયામાં રહેતા એક વેપારી યુવાનના તરુણ પુત્ર સાથે મિત્રતા કેળવ્યા બાદ બે શખ્સો દ્વારા આ તરૂણ પાસેથી છરી બતાવી અને પોતાના ઘરેથી ટુકડે ટુકડે રૂપિયા 3.55 લાખની રોકડ રકમ મેળવી લેવા સબબ આ બંને શખ્સો સામે જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધાયો છે.
આ સમગ્ર બનાવવાની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના બંગલા વાડી વિસ્તારમાં રહેતા વિજયભાઈ નાથુભાઈ વડગામા નામના 47 વર્ષના વેપારી યુવાને તેમના વેપાર ધંધાથી પ્રાપ્ત થયેલી રૂપિયા સાડા ત્રણ લાખની રોકડ રકમ પોતાના પત્નીને આપી હતી. ત્યારબાદ આ રકમની જરૂરિયાત હોવાથી ગત તારીખ 25 માર્ચના રોજ ફરિયાદી વિજયભાઈએ પોતાના પત્ની પાસેથી આ રકમ માંગતા તેમને કબાટમાંથી આ રકમ ગુમ થયાનું જણાયું હતું.
જે સંદર્ભે આ દંપત્તિએ પોતાના 17 વર્ષીય તરૂણ પુત્રની પૂછપરછ કરતા ડરી ગયેલા આ તરૂણે પોતાના માતા-પિતાને જણાવ્યું હતું કે આજથી આશરે ત્રણેક માસ પૂર્વે તેમની નજીક રહેતા તેના મિત્ર સોરભ રાજેશ મિશ્રાએ તેના મિત્ર મુનાફ સાથે તેની ઓળખાણ કરાવી હતી. ત્યારબાદ ત્રણેય મિત્રો કલ્યાણબાગ બાજુ બેસવા માટે જતા હતા.
આ પછી ગત તારીખ 9 માર્ચના રોજ ત્રણેય મિત્રો કલ્યાણબાગ બાજુ બેઠા હતા, તે સમયે સૌરભ તથા મુનાફે આ તરૂણને કહ્યું કે અમારે રૂપિયાની જરૂરિયાત છે. જેથી અમોને રૂપિયાનો મેળ કરીને આપ. જેથી આ તરૂણે પૈસા ન હોવાનું જણાવતા બંને શખ્સોએ તેને કહ્યું હતું કે “તારા ઘરેથી રૂપિયા લઇ આવ” બાદમાં મુનાફે તેના પેન્ટના નેફામાં રહેલી છરી તરૂણના ગળે રાખી અને બંને આ તરૂણને બિભત્સ ગાળો કાઢી હતી, અને “જો તું અમને રૂપિયા નહીં આપે તો તને જાનથી મારી નાખીશું” તેમ કહેતા તે એકદમ ડરી ગયો હતો અને તેમના માતા-પિતાના કબાટમાં રાખવામાં આવેલા રૂપિયા પૈકી ટુકડે ટુકડે કુલ 3.55 લાખની રકમ લઈ અને ઉપરોક્ત બંને શખ્સોને આપી દીધી હતી.
આમ, તરૂણ પાસેથી બળજબરીપૂર્વક તોતિંગ રકમ કઢાવી લેવા સબબ વિજયભાઈ નાથુભાઈ વડગામાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે સરભ રાજેશ મિશ્રા અને મુનાફ અકબર મોદી નામના બે શખ્સો સામે આઇ.પી.સી. કલમ 386, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. આ સમગ્ર પ્રકરણ અંગે આગળની તપાસ પી.એસ.આઈ. એ.બી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ પ્રકરણ દરમિયાન ખંભાળિયા પોલીસ દ્વારા બુધવારે સાંજે પેટ્રોલિંગ દરમિયાન અત્રે રેલવે સ્ટેશન રોડ ઉપર સાઈનાથ એપાર્ટમેન્ટમાં રહેતા મુનાફ અકબરભાઈ મોદી નામના 18 વર્ષીય શખ્સને રામનાથ પુલીયા પાસેથી ધાતુની મુઠ સાથે નીકળતા ઝડપી લઇ તેની સામે હથિયારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.