Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજી.જી. હોસ્પિટલમાં આધુનિક MRI મશીનનું લોકાર્પણ

જી.જી. હોસ્પિટલમાં આધુનિક MRI મશીનનું લોકાર્પણ

ગંભીર બિમારીઓનું સચોટ નિદાન સ્થાનિક કક્ષાએ જ શકય બનશે : મંત્રી રાઘવજી પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા, મેયર બિનાબેન કોઠારી ઉ5સ્થિત રહ્યાં

- Advertisement -

શહેરની ગુરૂ ગોવિંદસિંઘ જનરલ હોસ્પિટલ ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં સરકાર દ્વારા રૂ.13 કરોડથી વધુના ખર્ચે ફાળવવામાં આવેલ નવા આધુનિક એમ.આર.આઈ.મશીનનું લોકાર્પણ કરાયું હતું.

- Advertisement -

આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે જામનગરના ધારાસભ્યો, મેયરસહિતના આગેવાનોની સરકાર સમક્ષની રજૂઆતોના પરિણામે જામનગરને આ આધુનિક એમ.આર.આઈ. મશીનની ફાળવણી શકય બની છે. પહેલાં જી.જી.હોસ્પિટલમાં એમ.આર.આઈ.ની સુવિધાના અભાવે દર્દીઓએ બહાર જવું પડતું ત્યારે હવે સ્થાનિક કક્ષાએ જ આ સુવિધા ઉપલબ્ધ થતાં લોકોનો સમય બચશે અને તેઓને ઝડપી સારવાર ઉપલબ્ધ થશે.ઉપરાંત અત્રેના મેડિકલના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સબંધિત અનુકૂળતાઓ રહેશે.આ પ્રકારના 8 મશીનો રાજ્યની અન્ય હોસ્પિટલોમાં પણ ફાળવવામાં આવ્યા છે જેમાંનું પ્રથમ એમઆરઆઇ મશીન જામનગર ખાતેથી રવિવારે લોકાર્પિત કરવામાં આવ્યું હતું.
નવા એમ.આર.આઈ.મશીન વિશે વધુ વિગતો આપતાં રેડીયોલોજી વિભાગના વડા નંદિની બહારી તેમજ જી.જી.હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટ તિવારીએ જણાવ્યું હતું કે જામનગર ખાતેથી સૌપ્રથમ એમ.આર.આઈ. મશીનનું લોકાર્પણ થયું છે જે મશીન અતિ આધુનિક અને 1.5 ટેસ્લા જેટલી પ્રબળ ચુંબકીય ક્ષમતા ધરાવે છે.આ મશીનની મદદથી રેડિયેશનના ઉપયોગ વગર શરીરના આંતરિક માળખા અને અવયવોને ખૂબ જ સ્પષ્ટ રીતે જોઈ તેમાં થતા રોગોનું નિદાન કરી શકાશે. ગુજરાત સરકારે આ મશીનમાં ફૂલ પેકેજ ઉપલબ્ધ કરાવેલ છે એટલે કે મશીન તથા મશીનની સાથે તમામ પ્રકારની કોઇલ્સ કે જે વૈકલ્પિક હોય છે તે બધીજ ઉપલબ્ધ કરાવાઇ છે જેના ઉપયોગથી કેન્સરના દર્દીઓ, મગજના રોગો, કમરના રોગો, ચેપી રોગો, હાડકા અને માસ પેશીના રોગો, સગર્ભા સ્ત્રીઓ તથા ગર્ભમાં રહેલ બાળકની ખોડ ખાપણનું સચોટ નિદાન શક્ય બનશે. નવા મશીનથી અનુસ્નાતક ટ્રેનિંગમાં પણ ઘણો લાભ થશે.તબીબી વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના નવા દર્દીઓના નિદાનની તક મળશે જેથી તેઓ પોતાના ક્ષેત્રે તમામ રોગોનું નિદાન કરવા વધુ સક્ષમ બનશે. આ મશીનના કારણે દર્દીઓને ઘર આંગણે ટોચની સગવડતા મળવાને કારણે તેમનો નિદાન માટેનો સમય બચશે. બીજી જગ્યાએ જવા માટે પડતી હાલાકી દૂર થશે અને આર્થિક ખર્ચમાં રાહત થશે. આમ આ નવું એમઆરઆઇ મશીન એ દર્દીઓ માટે ખરા અર્થમાં વરદાન રૂપ સાબિત થશે. આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય રીવાબા જાડેજા તથા દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષભાઈ કટારીયા, શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડો.નંદિની દેસાઈ, એડિશનલ ડીન ડો.એસ.એસ.ચેટરજી, વિવિધ વિભાગોના વડાઓ, તેમજ બહોળી સંખ્યામાં ડોક્ટર્સ, તબીબી વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular