ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાં કોરોના સંક્રમણે ફરી ગતિ પકડી છે. ઝડપથી વધતાં જતાં કોરોનાના કેસે આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. ત્યારે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા આજે બપોર બાદ રાજયો સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજયો પાસેથી કોરોનાની સ્થિતિનું તાગ મેળવીને તેને કાબુમાં મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. દરમ્યાન આરોગ્ય તંત્ર દ્વારા શનિવારે જ કોરોના અંગેની ગાઇડલાઇડ જાહેર કરી દેવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 1805ને દર્દીઓ નોંધાયા છે. જયારે કોરોનાનો પોઝિટીવીટી દર પણ વધીને 3.19 પહોંચી ગયો છે. છેલ્લા બે દિવસમાં દેશમાં કોરોનાના નવા 3500થી વધુ કેસ નોંધાયા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસનો સતત વધારો થઇ રહ્યો છે. રવિવારે રાજયમાં 303 કેસ નોંધાયા હતા. જયારે એક દર્દીનું મૃત્યુ થયું હતું. કોરોનાના વધતાં કેસોને ધ્યાનમાં રાખીને રવિવારે દિલ્હીની સરકારી હોસ્પિટલોમા મોકડ્રીલ પણ યોજવામાં આવી હતી. જયારે આગામી એપ્રિલમાં દેશભરની હોસ્પિટલોમાં કોરોના સંબંધિત મોકડ્રીલ યોજવામાં આવશે. ઉત્તર પ્રદેશના લખીમપુરની એક શાળામાં 37 વિદ્યાર્થીનીઓની કોરોના સંક્રમિત જણાતાં દોડધામ મચી જવા પામી હતી. ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. ના ફક્ત કેસમાં પણ હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. રવિવારે ગુજરાતમાં કોરોનાના નવા 303 કેસ નોંધાયા છે. જ્યારે 134 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. આજે વલસાડમાં એકનું મૃત્યુ નિપજ્યું છે.
રાજ્યભરમાં રવિવારે કુલ 312 લોકોનું રસીકરણ કરાયું છે. રવિવારે અમદાવાદમાં કોર્પોરેશનમાં 118, રાજકોટ કોર્પોરેશનમાં 30, સુરત કોર્પોરેશનમાં 25, મોરબીમાં 17, વડોદરામાં 16, રાજકોટમાં 14, વડોદરા કોર્પોરેશનમાં 14 કેસ, સુરત 8 કોરોના કેસ નોંધાયા છે. અમરેલી, જામનગર, મહેસાણા, સાબરકાંઠામાં 6-6, ભાવનગર, કચ્છમાં 5-5, બનાસકાંઠા, પાટણ, વલસાડમાં 3-3 કેસ નોંધાયા છે. તો ગાંધીનગર કોર્પોરેશન, પોરબંદરમાં 3-3, જ્યારે અમદાવાદ, આણંદ, નવસારીમાં 2-2 કેસ સામે આવ્યા છે. ભરૂચ, ભાવનગર, ખેડામાં 1-1 કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 21 દિવસમાં જ કોરોનાના કારણે 7 વ્યક્તિના મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11053 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 1697 એક્ટિવ કેસ છે. 5 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 1692 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.00 ટકા થઈ ગયો છે.
જામનગર શહેરમાં શનિવાર અને રવિવાર બે દિવસમાં કોરોનાના 9 પોઝિટીવ કેસ નોંધાયા છે. રાજયની સાથે જામનગર શહેરમાં પણ ધીમી ગતિએ કોરોના સંક્રમણ વધી રહ્યાંનું જણાઇ રહ્યું છે. શનિવારે 4 અને રવિવારે નવા પ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા. જામનગર શહેરમાં હાલ કોરોનાના 18 એકિટવ કેસ હોવાનું જણાવવામાં આવ્યું છે. જામ્યુકોના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર તમામ 18 સંક્રમિતોને હાલ હોમઆઇશોલેશનમાં રાખવામાં આવ્યા છે. શહેરનો એક પણ હોસ્પિટલમાં દાખલ નથી. જે રાહતની વાત છે.