કેન્દ્રીય કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા (ડીએ)માં ચાર ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું ડીએ 38 ટકાથી વધીને 42 ટકા થઇ ગયું છે. કેન્દ્રીય કેબિનેટના આ નિર્ણયથી 47.58 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 69.76 લાખ પેન્શનરોને લાભ થશે. કેન્દ્રીય કેબિનેટના આ નિર્ણયથી સરકારી તિજોરી પર વાર્ષિક કુલ 12,815.60 કરોડ રૂપિયાનો બોજ પડશે.
કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ (સીસીઇએ)ની બેઠક પૂર્ણ થયા પછી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું. ડીએમાં વધારો કરાયેલા નવા દર એક જાન્યુઆરી, 2023થી અમલમાં આવશે. જાન્યુઆરીથી માર્ચ સુધીના ડીએમાં વધારાનું એરિયર્સ ચુકવવામાં આવશે.