જામનગર શહેરમાં આજરોજ ચેટી ચાંદના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા બેથી ત્રણ દિવસથી બાઇક રેલી, પ્રવચન સહિતના આયોજનો સિંધી સમાજ દ્વારા કરવામાં આવ્યા હતાં. આજે ચેટી ચાંદના પર્વ નિમિત્તે જામનગર શહેરના જુના રેલવે સ્ટેશન પાસે આવેલા ઝુલેલાલના મંદિરે સવારથી જ ભક્તો દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટયા હતાં. ઝુલેલાલ મંદિર ખાતે ભાવિક ભક્તોની લાંબી કતારો લાગી હતી.
લોકોએ કતારમાં ઉભીને પણ ભગવાન ઝુલેલાલના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. આ ઉપરાંત સિંધી સમાજ દ્વારા ચેટી ચાંદ મહોત્સવ અંતર્ગત આજે સવારે ઝુલેલાલ મંદિરે પ્રભાત આરતી તેમજ સમુહ યજ્ઞોપવિત તથા લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સાંજે શોભાયાત્રા તથા ભોજન સમારંભ સહિતના આયોજનો પણ કરવામાં આવ્યા છે. આ તકે સિંધી સમાજના ચેરમેન પરમાણંદ ખટ્ટર, ઝુલેલાલ મંદિર પ્રમુખ ભગવાનદાસ ભોલાણી, સિંધી સમાજ પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી, ચેટી ચાંદ ઉત્સવ ચેરમેન મનિષભાઇ રોહેરા, કોર્પોરેટર બબીતાબેન લાલવાણી તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય પરસોતમભાઇ કકલાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.