સમગ્ર ગુજરાતમાં અત્યારે બોર્ડની પરીક્ષાઓ ચાલુ થતા પરીક્ષાનું વાતાવરણ જોવા મળે છે. ધો.10 અને ધો.12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે ધો.10 ની વાત કરીએ તો ધો.10 માં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડ પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે તેમના મનમાં ઘણાં બધાં વિચારોના વમળો ચાલતા હોય છે. એવામાં બોર્ડના વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તેના માટે પોલીસ દ્વારા ઘણો બંદોબસ્ત પણ કરવામાં આવતો હોય છે.
બોર્ડની પરીક્ષા શરૂ થતા પહેલાં જ ભુજના એસપી સૌરભ સિંઘ એ જીલ્લાના પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને બોર્ડની પરીક્ષા આપતા છાત્રોને તકલીફ ન પડે અને પોલીસ વિભાગ તરફથી જે મદદ થાય તે કરવા તમામ અધિકારીઓને સમજાવ્યા હતાં. જે અંતર્ગત ભુજ એલઆઈબી માં ફરજ બજાવતા પીઆઈ જય ધોળાએ પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.
પરીક્ષાનો પ્રથમ દિવસ પ્રથમ પેપર અને પરીક્ષા શરૂ થવાની તૈયારી હતી ત્યારે ભુજની માતૃછાયા સ્કુલના મુખ્ય દરવાજા પાસ ઉભેલી ચિંતાગ્રસ્ત દિકરીને જોઇને જય ધોળાએ દિકરીને પૂછયુ ‘બેટા કંઈ તકલીફ છે ?’
ત્યારે દિકરી રડી પડી અને બોલી કે ‘હું ગાંધીગ્રામથી પરીક્ષા આપવા આવી છુ મારા પપ્પા મને અહીં મૂકીને ઘરે ગયા પણ મારુ પરીક્ષા કેન્દ્ર આ નથી બીજું છે.’ ત્યારે જય ધોળાએ કહ્યું ‘બેટા ચિંતા ન કરે અમે મદદ માટે જ અહીં ઉભા છીએ.’ રીસીપ્ટમાં જોયું તો કેન્દ્ર માતૃછાયા નહીં આર.ડી.વરસાણી સ્કૂલ હતું. દિકરી ખૂબ ગભરાયેલી હતી. પીઆઈ એ દિકરીને પાણી આપ્યું અને કહ્યું ‘ગભરાઈશ નહીં સ્કૂલ નજીકજ છે હમણાં પહોંચી જઈશું.’
આમ તેણે દિકરીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી અને ત્યાં ફરજ બજાવતા અધિકારીઓને કહીને દિકરીને છેક તેના બ્લોક સુધી પહોંચાડી હતી. આમ પોલીસની મદદથી નિધિ તેની પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ પરીક્ષા ખંડ સુધી પહોંચી ગઈ હતી.
માનવતા વાદી પોલીસ અધિક્ષક અને પોલીસ ઈન્સ્પેકટરની આવી કામગીરી અંગે સાંભળતા ખાખી પ્રત્યે માન થાય છે. જ્યારે બોર્ડના વિદ્યાર્થીઓને મદદ કરવા પોલીસ સ્ટાફ ખડેપગે રહે છે અને છાત્રોને મુંજવતા પ્રશ્ર્નોનું નિવારણ કરે છે.