જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખાખરા ગામના વતની એવા પ્રકૃતિ પ્રેમી સ્વ. અનિરૂધ્ધસિંહ પથુભા જાડેજા કે જેઓનું એક સપ્તાહ પૂર્વે પડધરી નજીક રોડ અકસ્માત થયું હતું. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું અને એક પ્રકૃતિપ્રેમી જીવ સૌને અલવીદા કહી ગયા.
કહેવાય છે કે જેનું મન પવિત્ર હોય એવા લોકોનું જીવન ફુલ જેવું જ હોય છે. હસતો ચહેરો અને કરમાયા પછી પણ જેમ ફુલ હાથમાં સુવાસ છોડી જાશય છે એવી જ રીતે તેઓ જીવનદીપ ઓલવાયા પછી પણ સમાજને સત્કર્મોની રાહ દેખાડતા રહી છે. તેવા જ પ્રકૃતિ પ્રેમી અનિરૂધ્ધસિંહને ‘એક વૃક્ષ વાવીએ અને તેને ઉછેરીએ એ જ આપની મને શ્રધ્ધાંજલિ’ તેવા સૂત્ર સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
તેમના પરિવાર એટલે કે જાડેજા પરિવાર તેમને અનોખી શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે. પ્રકૃતિ પ્રેમી એવા સ્વ. અનિરૂધ્ધસિંહ પથુભા જાડેજાના બેસણામાં તેમના પરિવાર દ્વારા 3000 થી વધારે રોપાનું વિતરણ કરી સમાજમાં અનોખો દાખલો બેસાડયો છે. બેસણામાં આવનાર દરેકને રોપાનું વિતરણ કરીને એક વૃક્ષ વાવવા માટે પ્રેરણા આપી તેમના પરિવારે પ્રકૃતિ પ્રેમી તેમના સ્વજની ઈચ્છાને પૂરી કરીને સમાજને સુંદર સંદેશો આપ્યો છે.