છત્તીસગઢના રાયપુરમાં આજથી કોંગ્રેસના 85મા રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થયો છે. આ અધિવેશન આગામી ત્રણ દિવસી સુધી ચાલશે. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, રાહુલ ગાંધી, પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત પાર્ટીના ઘણા મોટા નેતાઓ સામેલ થશે. આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ અંગે આ અધિવેશનમાં મંથન કરવામાં આવી શકે છે. આ અધિવેશનને ’હાથ સે જોડો હાથ’ નામ આપવામાં આવ્યું છે. આ અધિવેશનમાં આગામી સત્રનો એજન્ડા પણ નક્કી કરવામાં આવશે. અધિવેશનના અંતમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અધિવેશનમાં છ વિષયો પર પેટા જૂથો બનાવવામાં આવ્યા છે, જેના પર પક્ષ પોતાની વચ્ચે ચર્ચા કરીને ભવિષ્યની રણનીતિ નક્કી કરશે. આ છ વિષયોમાં રાજકીય, આંતરરાષ્ટ્રીય બાબતો, આર્થિક, સામાજિક ન્યાય, ખેડૂતો, યુવા, શિક્ષણ અને રોજગારનો સમાવેશ થાય છે. આ સાથે પાર્ટીના બંધારણ પર પણ ચર્ચા થશે.