દેશમાં પહેલીવાર એકી સાથે 8 સિંહ કોરોનાથી સંક્રમિત થયા છે. હૈદરાબાદના નેહરૂ ઝૂઓલોજિકલ પાર્કમાં 8 એશિયાટિક સિંહને કોરોનાનો ચેપ લાગ્યો છે. 29 એપ્રિલે સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી સેન્ટર (સીસીએમબી) એ નેહરુ ઝૂઓલોજીકલ પાર્કના અધિકારીઓને જણાવ્યું હતું કે આરટી-પીસીઆર પરીક્ષણમાં 8 સિંહ કોરોના પોઝીટીવ આવ્યા છે.
પ્રાણીસંગ્રહાલયના ઉદ્યાનનું સંચાલન કરનાર ડોક્ટર સિદ્ધાનંદ કુકરેતીએ પણ 8 સિંહો પોઝીટીવ હોવાની માહિતી આપી છે. ભારતમાં પ્રથમ વખત સિંહ કોરોના પોઝીટીવ થયા છે. આ અગાઉ ગત વર્ષે ન્યુયોર્કના એક ઝૂમાં 8વાઘ અને સિંહ કોરોના પોઝીટીવ આવ્યા હતા.તેમજ હોંગકોંગમાં શ્વાન અને બિલાડી કોરોના પોઝીટીવ હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ અગાઉ એક પણ પ્રાણી કોરોનાથી સંક્રમિત થયા નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 24 એપ્રિલે, પશુચિકિત્સકોએ શોધી કાઢ્યું હતું કેતેમની સંભાળ દરમિયાન સિંહને ભૂખ ન લાગવી, નાકમાંથી પાણી નીકળવું અને કફ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. આ પ્રાણી સંગ્રહાલયમાં 12 સિંહો છે, જેમની ઉંમર લગભગ 10 વર્ષ છે. ઝુના સફારી વિસ્તારનો વિસ્તાર આશરે 40 એકર છે. ચાર સિંહો અને 4સિંહણ કોવિડ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે.