- Advertisement -
સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જુદા જુદા ગામોમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન ગઈકાલે રવિવારે સંપન્ન થયું હતું. એકંદરે શાંતિપૂર્ણ રીતે યોજાઈ ગયેલી આ ચૂંટણીમાં જિલ્લામાં અંદાજે 75 ટકા જેટલું સરેરાશ મતદાન થવા પામ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ કલ્યાણપુર તથા દ્વારકા તાલુકામાં કુલ 156 ગ્રામ પંચાયત ચૂંટણી મુકરર કરાઇ હતી. જેમાં સ્થાનિક કક્ષાએથી સમજાવટો સહિતનો દૌર આગેવાનો અને સ્થાનિકો દ્વારા હાથમાં લેવામાં આવતા કુલ 28 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ હતી. અને બાકીની 128 ગ્રામ પંચાયતોના સરપંચ તથા સદસ્ય માટેની ચૂંટણી ગઈકાલે રવિવારે યોજવામાં આવી હતી.
ખંભાળિયા તાલુકામાં 74, ભાણવડ તાલુકામાં 29, કલ્યાણપુર તાલુકામાં 34 અને દ્વારકા તાલુકામાં 19 ગ્રામ પંચાયતો પૈકી અનુક્રમે ખંભાળિયાની 8, ભાણવડની 8, કલ્યાણપુરની 4 તથા દ્વારકાની સાત ગ્રામ પંચાયત સમરસ જાહેર થયા બાદ 128 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વખતે ભારે ગરમાવા સાથે રાજકીય રંગ પણ જામ્યો હતો. આ ચૂંટણી અનેક વિસ્તારોમાં ઉમેદવારો માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહી હતી અને છેવટ સુધીના મતદારોને યેનકેન પ્રકારે રીઝવવાના પ્રયાસો ભારે ચર્ચામાં રહ્યા હતા.
મતદાનના પ્રથમ ચરણમાં 11 વાગ્યા સુધીમાં ખંભાળિયામાં 15.20 ટકા, કલ્યાણપુરમાં 26.14 ટકા, ભાણવડમાં 25.35 ટકા અને દ્વારકામાં 19.08 ટકા જેટલું ધીમું મતદાન થયું હતું. બાદમાં સ્થાનિકો દ્વારા મતદાન માટે મતદારોને રીઝવવા તથા સમજાવવામાં આવતા સાંજે 6 વાગ્યા સુધીમાં નોંધપાત્ર મતદાન થઈ ચૂક્યું હતુ.
આ અંગે તંત્ર દ્વારા જારી કરવામાં આવેલા પ્રાથમિક અને અંદાજિત આંકડા મુજબ ખંભાળિયા તાલુકામાં 77 ટકા, ભાણવડ તાલુકામાં 76.11 ટકા, કલ્યાણપુર તાલુકામાં 75.71 ટકા તથા દ્વારકા તાલુકામાં 68.51 ટકા જેટલું મતદાન થવા પામ્યું છે. આમ, આશરે 75 ટકા જેટલા નોંધપાત્ર મતદાનના આજે સવાર સુધી તંત્ર દ્વારા સત્તાવાર અને સંપુર્ણ આંકડાઓ જાહેર થયા ન હતા.
જિલ્લાની 128 ગ્રામ પંચાયતના 341 સરપંચ પદના ઉમેદવાર તથા 2013 સભ્ય પદના ઉમેદવાર મળી કુલ 2354 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા છે. જેની ગણતરી આવતીકાલે મંગળવારે સવારે સ્થાનિક કક્ષાએ હાથ ધરવામાં આવશે.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનેક ગામડાઓમાં ઉત્સાહ ભર્યો માહોલ જોવા મળ્યો હતો અને મતદારોની ભીડ રહી હતી. આમ, આ ચૂંટણી કેટલાક સ્થળોએ રાજકીય પક્ષો માટે તેમજ કેટલાક ગામોમાં રાજકીય અને સ્થાનિક આગેવાનો માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની રહી હતી.
- Advertisement -