જામનગર શહેર અને જિલ્લામાં ધીમે-ધીમે કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લાં બે સપ્તાહથી જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો ચિંતાજનક રીતે વધતો જાય છે. તેમાં સરકારની સાથે-સાથે લોકોની બેદરકારી પણ મહત્વનો ભાગ ભજવે છે. ભારત દેશની સાથે-સાથે ગુજરાતમાં પણ કોરોના કહેરની બીજી લહેર ઝડપી સંક્રમિત થઈ રહી છે. ત્યારે આ સંક્રમણથી મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જામનગર જિલ્લામાં 24 કલાક દરમિયાન કોરોનાથી પ વ્યકિતઓના મોત નિપજયા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેર-જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 60 સુધી પહોંચી ગઈ છે તેમાં પણ ખાસ કરીને શહેરની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારોમાં પોઝિટિવ કેસોનો ગ્રાફ ઉંચો છે. જામનગર શહેરમાં 24 કલાક દરમિયાન 34 અને ગ્રામ્ય વિસ્તારમાં 26 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેની સામે શહેરમાં 23 દર્દીઓએ જ્યો ગ્રામ્ય વિસ્તારમાં 22 દર્દીઓએ કોરોનાને માત આપી છે. શહેરમાં આજ દિવસ સુધીમાં કુલ 247907 લોકોના જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 200500 લોકોના કોરોના પરીક્ષણ કરવામાં આવ્યા છે.